કાશ્મીરમાં ભારે વરસાદથી ચેનાબ નદી ગાંડીતૂર: બગલિહાર ડેમના 3 ગેટ ખોલાયા, પાકિસ્તાનમાં પૂરનું જોખમ

ડોડા-કિશ્તવાડમાં વરસાદ બાદ ચેનાબમાં પાણીની આવક વધી; નીચાણવાળા વિસ્તારો માટે એલર્ટ, મરાલા હેડવર્ક્સ પર વધ્યું દબાણ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના ડોડા, કિશ્તવાડ અને રામબન જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે ચેનાબ નદીમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. નદીનું જળસ્તર જોખમી સપાટીની નજીક પહોંચતાં પાણીનું દબાણ નિયંત્રિત રાખવા માટે ભારતે બગલિહાર ડેમના ત્રણ ગેટ ખોલીને વધારાનું પાણી છોડવાની કાર્યવાહી હાથ ધરી છે.

ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે ચેનાબ નદીના નીચાણવાળા વિસ્તારોમાં પાણીનું સ્તર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે અને નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

ચેનાબ નદીનો પ્રવાહ આગળ પાકિસ્તાન તરફ જતો હોવાથી ત્યાં પણ પૂરનું જોખમ ઊભું થયું છે. ખાસ કરીને સિયાલકોટ નજીક આવેલા મરાલા હેડવર્ક્સ વિસ્તારમાં પાણીનું દબાણ વધવાની શક્યતા છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, પાણીની આવક સતત યથાવત રહે તો નીચાણવાળા વિસ્તારો અને ખેતીવાડી વિસ્તારમાં અસર પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે, મે મહિનામાં ભારતે બગલિહાર ડેમના ગેટ બંધ રાખીને પાણીના સંચાલન અંગે પગલાં લીધાં હતાં. હાલની કાર્યવાહી સંપૂર્ણપણે ભારે વરસાદ અને વધતી જળ આવકને ધ્યાનમાં રાખીને ડેમની સુરક્ષા અને પાણીના નિયંત્રિત નિકાલ માટે કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

આ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચેનો જળ મુદ્દો પણ ફરી ચર્ચામાં આવ્યો છે. ભારતે તાજેતરમાં આતંકવાદના મુદ્દે સિંધુ જળ સંધિ સ્થગિત રાખવાનો પોતાનો નિર્ણય પુનરાવર્તિત કર્યો છે. જેના કારણે નદીઓના પ્રવાહ સંબંધિત રિયલ-ટાઇમ હાઇડ્રોલોજિકલ ડેટાની વહેંચણી અગાઉ જેવી નિયમિત રહી નથી.

તેમ છતાં, માનવતાના ધોરણે સંભવિત પૂરનું જોખમ ધ્યાનમાં રાખીને ભારતે પાકિસ્તાનને આગોતરી જાણકારી અને જરૂરી ચેતવણી મોકલી હોવાનું જાણવા મળે છે, જેથી જાનહાનિ અને નુકસાનને શક્ય તેટલું ઓછું રાખી શકાય.

Leave a Comment

Traffic Tail