ખુલ્લા રેલવે ફાટકને લઈને ગંભીર બેદરકારીનો આક્ષેપ; અનેક બાળકો ઘાયલ, તપાસના આદેશ
મુર્શિદાબાદ: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બરહમપુર વિસ્તારમાં શુક્રવારે સવારે એક ગમખ્વાર ટ્રેન અકસ્માત સર્જાયો હતો. વિદ્યાર્થીઓને લઈને શાળા જઈ રહેલી સ્કૂલ વેન ખુલ્લા રેલવે ફાટક પરથી પસાર થઈ રહી હતી ત્યારે ઝડપભેર આવી રહેલી ટ્રેને વેનને જોરદાર ટક્કર મારતા બે વિદ્યાર્થીઓ સહિત પાંચ લોકોના મોત થયા છે. અકસ્માતમાં અનેક બાળકો ઘાયલ થતાં સમગ્ર વિસ્તારમાં શોક અને અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો.
માહિતી અનુસાર, સવારે આશરે 7 વાગ્યે સ્કૂલ વેન બાળકોને લઈને શાળા તરફ જઈ રહી હતી. તે દરમિયાન રેલવે ફાટક ખુલ્લો હોવાથી વેન ટ્રેક ક્રોસ કરી રહી હતી, ત્યારે અચાનક ટ્રેન આવી પહોંચી અને વેનને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે વેનનો કચરઘાણ નીકળી ગયો હતો.
અકસ્માતમાં બે વિદ્યાર્થીઓ સહિત પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. જ્યારે ઇજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. કેટલાક બાળકોની સ્થિતિ ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, એક ટ્રેન પસાર થયા બાદ રેલવે ફાટક ખોલી દેવામાં આવ્યો હતો, પરંતુ બીજા ટ્રેક પર આવી રહેલી ટ્રેન પહેલાં ફાટક ફરીથી બંધ કરવામાં આવ્યો નહોતો. આ કારણે રેલવે તંત્રની બેદરકારી અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ, રેલવે સુરક્ષા દળ અને વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માતના કારણોની તપાસ માટે ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને ફાટક સંચાલનમાં કોઈ બેદરકારી થઈ છે કે નહીં તેની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે.
આ દુર્ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે, જ્યારે મૃતકોના પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે.









