કરજણમાં એલસીબીની મોટી કાર્યવાહી: પ્લાસ્ટિકના માલની આડમાં 18.17 લાખનો દારૂ ઝડપાયો

316 પેટી વિદેશી દારૂ સાથે ટેમ્પો જપ્ત, ચાલક અર્જુન બિંદ ઝડપાયો; કુલ 28.53 લાખનો મુદ્દામાલ કબજે

કરજણ: વડોદરા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી)એ કરજણ નજીક દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે પ્લાસ્ટિકના સામાનની આડમાં દમણથી લવાતો રૂ.18.17 લાખનો વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન ટેમ્પાના ચાલક અર્જુન બિંદની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે ટેમ્પોની તપાસ કરતાં પ્લાસ્ટિકના માલ નીચે કુશળતાપૂર્વક છુપાવી રાખેલી 316 પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો. દારૂનો જથ્થો ગુજરાતમાં ગેરકાયદેસર રીતે સપ્લાય કરવા લાવવામાં આવી રહ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

દરોડા દરમિયાન પોલીસે દારૂનો જથ્થો, ટેમ્પો તથા અન્ય સામાન મળી કુલ રૂ.28.53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર જથ્થો જપ્ત કરી ટેમ્પાના ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ મામલે કરજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી દારૂની હેરાફેરીના મુખ્ય સૂત્રધારો, સપ્લાયરો અને અન્ય સંડોવાયેલા શખ્સો સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Leave a Comment

Traffic Tail