રાજુલાના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખના પુત્ર સહિત 13 શખ્સોની ધરપકડ; મધ્યપ્રદેશથી સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલી ગેરકાયદેસર હથિયાર સપ્લાય ચેઇનનો ભાંડો ફૂટ્યો
રાજકોટ: રાજકોટ શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચ (PCB)એ રાજ્યની સૌથી મોટી ગેરકાયદેસર હથિયાર સપ્લાય ચેઇનનો પર્દાફાશ કરતાં 13 આરોપીઓની ધરપકડ કરી છે. સમગ્ર ઓપરેશન દરમિયાન પોલીસને કુલ 28 દેશી બનાવટની પિસ્તોલ, 30થી વધુ જીવતા કારતૂસ તેમજ અન્ય મુદ્દામાલ મળી આવ્યો છે. તપાસમાં મધ્યપ્રદેશથી સૌરાષ્ટ્ર સુધી સક્રિય હથિયાર સપ્લાય નેટવર્કનો ખુલાસો થયો છે.
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કુવાડવા નજીકથી મધ્યપ્રદેશના સકીલ સાદીક મન્સુરીને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી પાંચ પિસ્તોલ અને 20 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન તેણે ચોટીલાના અનિલ અને દર્શન ઉર્ફે ગાવસ્કર સહિતના શખ્સોને અગાઉ પણ હથિયારો સપ્લાય કર્યાની કબૂલાત આપી હતી.
આ માહિતીના આધારે PCBએ સતત દરોડા પાડીને હથિયાર સપ્લાય ચેઇન સાથે સંકળાયેલા અનેક શખ્સોને ઝડપી લીધા હતા. રિમાન્ડ દરમિયાન આરોપીઓની પૂછપરછમાં વધુ નામો સામે આવતા તપાસનો વ્યાપ સતત વધતો ગયો હતો.
તપાસ દરમિયાન રાજુલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્ર જીલુ ભુપત બારૈયાની પણ સંડોવણી સામે આવી હતી. પોલીસે તેની ધરપકડ કરીને તેની પાસેથી ત્રણ દેશી પિસ્તોલ કબજે કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં તેણે અંગત દુશ્મનાવટના કારણે સુરક્ષા માટે હથિયારો ખરીદ્યાનું જણાવ્યું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
આ ઉપરાંત આરોપી પ્રદીપ કરપડાની પૂછપરછમાં મિત્રતાના સંબંધે એક હથિયાર ચોટીલાના ઋતુરાજ ખાચરને આપ્યાનો ખુલાસો થતાં તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. સંદીપસિંહ પરમાર, જયપાલ ડેડાણીયા, આરીફ પઠાણ, ધૃવ ઉર્ફે કનૈયો ગૌસ્વામી, જયરાજ ઉર્ફે લાલો ખાચર અને શ્યામ પરમાર સહિત અન્ય આરોપીઓ પાસેથી પણ ગેરકાયદેસર હથિયારો મળી આવ્યા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સમગ્ર ગેંગ મધ્યપ્રદેશના મીરજાપુર વિસ્તારમાંથી દેશી બનાવટના હથિયારો મંગાવી સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં સપ્લાય કરતી હતી. હથિયાર સપ્લાયરો, સ્થાનિક એજન્ટો અને ખરીદદારો વચ્ચેનું સંપૂર્ણ નેટવર્ક પોલીસે શોધી કાઢ્યું છે.
રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ અને PCBના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલિયાના નેતૃત્વમાં હાથ ધરાયેલી આ કાર્યવાહીને હથિયાર વિરોધી અભિયાનની મોટી સફળતા માનવામાં આવી રહી છે. પોલીસે હવે હથિયારોના મૂળ સ્ત્રોત, નાણાંકીય વ્યવહાર અને આ ગેંગ સાથે સંકળાયેલા અન્ય શખ્સોની શોધખોળ વધુ તેજ બનાવી છે.









