પૂર્વ CMનો મોટો નિર્ણય : ‘મારા કારણે ભ્રષ્ટાચાર સામેની કોંગ્રેસની લડાઈ પર સવાલ ન ઊભા થાય’
દેહરાદૂન : ઉત્તરાખંડના રાજકારણમાં અચાનક મોટો વળાંક આવ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. તેમના પીએ ચંદન સિંહના ઘરે EDના દરોડા બાદ રાવતે આ નિર્ણય લેતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.
EDની કાર્યવાહી બાદ હરીશ રાવતે સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટ કરીને રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમના કારણે કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચાર સામે ચલાવવામાં આવી રહેલી લડાઈ પર કોઈ પ્રશ્નચિહ્ન ઊભું થાય તે તેઓ ઇચ્છતા નથી. પાર્ટીની છબી જળવાઈ રહે તે માટે તેમણે સંગઠનના હોદ્દાઓથી દૂર થવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું.
ભરતી પરીક્ષા ગેરરીતિ કેસમાં દરોડા
વર્ષ 2016ની ગ્રામ પંચાયત વિકાસ અધિકારી ભરતી પરીક્ષામાં ગેરરીતિના આરોપો સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં EDએ દેહરાદૂન સહિત અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન હરીશ રાવતના સહયોગી ચંદન સિંહનું ઘર પણ તપાસ હેઠળ આવ્યું હતું.
EDના જણાવ્યા પ્રમાણે ચંદન સિંહના નિવાસસ્થાનેથી રૂ.32 લાખની બેહિસાબી રોકડ, આશરે 200 ગ્રામ સોનું અને 12 લક્ઝુરિયસ ઘડિયાળો મળી આવી હતી. આ ઉપરાંત ચંદન સિંહ તથા તેમના પરિવારના સભ્યોના બેન્ક ખાતામાં રહેલી રૂ.52.16 લાખની રકમ પણ જપ્ત કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
ચંદન સિંહ હરીશ રાવતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન OSD તરીકે રહી ચૂક્યા હતા અને હાલમાં તેમના PA તરીકે કામગીરી કરતા હોવાનું જણાવાયું છે.
‘આરોપ સાબિત થશે તો શરમજનક બાબત’
EDની કાર્યવાહી અંગે હરીશ રાવતે કહ્યું કે સમગ્ર મામલાનું સાચું સત્ય તપાસ બાદ જ સામે આવશે. ભરતી પરીક્ષામાં ગેરરીતિના આરોપો જો સાબિત થશે તો તે તેમના માટે ચોક્કસપણે શરમજનક બાબત હશે, જોકે હાલ તેઓ આવા આરોપો પર વિશ્વાસ કરતા નથી.
રાવતે આક્ષેપ કર્યો કે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય માહોલ બગાડવા અને નવો રાજકીય નેરેટિવ ઊભો કરવા માટે તેમના સહયોગીને નિશાન બનાવવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે કોંગ્રેસની સાખ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ પાર્ટીની લડાઈને કોઈ નુકસાન ન પહોંચે તે માટે તેઓ પ્રદેશ કારોબારી અને કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) સહિતના તમામ સંગઠનાત્મક હોદ્દાઓ પરથી અલગ થઈ રહ્યા છે.









