જુલાઈ અડધો વીતી ગયો છતાં મેઘરાજાની મહેર નહીં: સૌરાષ્ટ્રના 60થી વધુ ડેમ તળિયે, 12 ડેમ ‘સૌની’ યોજનાના સહારે

રાજકોટ: જુલાઈ માસ અડધો વીતી ગયો હોવા છતાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ચોમાસું હજુ પણ પૂરતું સક્રિય બન્યું નથી. વરસાદની સતત ખેંચને કારણે જળસંકટની સ્થિતિ ઊભી થઈ રહી છે અને અનેક વિસ્તારોમાંથી પાણી માટે બુમરાણ શરૂ થઈ છે. વધતી ચિંતા વચ્ચે હવે સૌની યોજનાના પાણીની માંગ પણ ઝડપથી વધી રહી છે.

સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કુલ 12 જેટલા ડેમ હાલમાં સૌની (SAUNI) યોજનાના પાણી પર નિર્ભર બન્યા છે. તેમાં રાજકોટના આજી-1 અને ન્યારી-1 ઉપરાંત નાયકા, રાણીપત, ખંભાળિયા, મચ્છુ-1, સેતુબંધ, ગોમા, દેવધારી, માલગઢ, કરણુકી, ઓઝત અને ધોળીધજા ડેમનો સમાવેશ થાય છે.

વરસાદના અભાવે સૌરાષ્ટ્રના મોટાભાગના જળાશયોમાં પાણીનું સ્તર સતત ઘટી રહ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જિલ્લાના 11, જામનગર જિલ્લાના 14, દેવભૂમિ દ્વારકાના 12, મોરબી જિલ્લાના 3, સુરેન્દ્રનગર જિલ્લાના 7 તેમજ પોરબંદર અને અમરેલી જિલ્લાના 2-2 ડેમ લગભગ તળિયે પહોંચી ગયા છે. સૌરાષ્ટ્રના 60થી વધુ ડેમોમાં હાલ માત્ર 0.44 ટકાથી 12 ટકા સુધીનો જ જળસંગ્રહ બચ્યો હોવાનું જણાવાય છે.

હવામાન વિભાગે પણ આગામી એક સપ્તાહ સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં કોઈ નોંધપાત્ર વરસાદની શક્યતા વ્યક્ત કરી નથી. જેના કારણે પીવાના પાણી અને સિંચાઈની સ્થિતિને લઈને ચિંતા વધુ ઘેરી બની રહી છે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ બંને જિલ્લાઓના મોટાભાગના ડેમોમાં માત્ર 2થી 10 ટકા જેટલું પાણી જ બાકી રહ્યું છે.

રાજકોટ શહેર માટે હાલ આજી અને ન્યારી ડેમમાં નર્મદાના નીર છોડાતા પીવાના પાણીની તાત્કાલિક કોઈ ગંભીર સમસ્યા નથી. જોકે, જો આગામી દિવસોમાં પણ વરસાદ નહીં પડે તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પાણીની સ્થિતિ વધુ વિકટ બનવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

Leave a Comment

Traffic Tail