પાટણ: અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા ગુજરાત ATS દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાંથી વધુ પાંચ શંકાસ્પદ વ્યક્તિઓને ડિટેન કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંભવિત કનેક્શન સહિતના વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ATS દ્વારા સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. જોકે, એજન્સી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી.
ATS દ્વારા 13 જુલાઈના રોજ સિદ્ધપુરમાં ગુપ્ત સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. શહેરના ઝાંપલીપોળ વિસ્તારમાં આવેલી એક કટલરીની દુકાનમાં લાંબા સમય સુધી તપાસ અને પૂછપરછ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં એવી માહિતી સામે આવી હતી કે કોઈ શંકાસ્પદ વ્યક્તિ દ્વારા રમકડાંમાં ઉપયોગમાં લેવાતી નાની બેટરીઓની ખરીદી કરવામાં આવી હોવાની આશંકાના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ દરમિયાન ઝાંપલીપોળ વિસ્તારમાં આવેલી ‘નૂરાની ટેલર્સ’ દુકાનમાંથી એક શંકાસ્પદ વ્યક્તિને ડિટેન કરીને વધુ પૂછપરછ માટે અજ્ઞાત સ્થળે લઈ જવાયો હતો.
તપાસને આગળ વધારતાં આજે સિદ્ધપુરમાંથી વધુ પાંચ શંકાસ્પદ વ્યક્તિઓને ડિટેન કરવામાં આવ્યા છે. અગાઉ સ્થાનિક પોલીસના સહયોગથી વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન કુલ આઠ શંકાસ્પદ વ્યક્તિઓને ડિટેન કરીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
પ્રાથમિક માહિતી મુજબ, અગાઉ સિદ્ધપુરમાંથી ત્રણ, પાલનપુરમાંથી ત્રણ અને ચીખલીમાંથી એક વ્યક્તિને ડિટેન કરવામાં આવ્યા હતા. હવે સિદ્ધપુરમાંથી વધુ પાંચ વ્યક્તિઓને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવતા તપાસનો વ્યાપ વધુ વિસ્તર્યો છે.
ATSની ટીમોએ સિદ્ધપુર તાલુકાના ચાટાવાડા ગામમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરી સંદિગ્ધ વ્યક્તિ મોહમદ અમીન શેરાના નિવાસસ્થાને તપાસ કરી હતી. પરિવારજનોની પણ પૂછપરછ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
તપાસ એજન્સીઓ સિદ્ધપુર વિસ્તારમાંથી ખરીદવામાં આવેલા શંકાસ્પદ સામાન તેમજ સંભવિત સંપર્કોની કડીઓ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ATSનું કહેવું છે કે તપાસ હજુ પ્રારંભિક તબક્કામાં છે અને મળતા પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.









