જૂનાગઢ: જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વાઘની પજવણી કરવાના વાયરલ થયેલા વીડિયો મામલે વન વિભાગે ઝડપી કાર્યવાહી કરીને રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના બે શખ્સોની ધરપકડ કરી છે. બંને આરોપીઓ સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
માહિતી મુજબ, 12 જુલાઈના રોજ સક્કરબાગ ઝૂમાં મુલાકાત દરમિયાન કેટલાક શખ્સોએ પિંજરામાં રહેલા વાઘ તરફ ગમછો ફેંકી તેને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે રોષ ફેલાયો હતો અને વન વિભાગે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન સક્કરબાગ ઝૂમાં લાગેલા સીસીટીવી કેમેરા તેમજ જૂનાગઢ પોલીસની નેત્રમ શાખાના ફૂટેજની મદદ લેવામાં આવી હતી. ટેકનિકલ તપાસના આધારે આરોપીઓની ઓળખ કરવામાં સફળતા મળી હતી.
વન વિભાગે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના બોડી ઘોડી ગામના રહેવાસી દેવાભાઈ શિરોડિયા અને બાબુભાઈ શિરોડિયાની ધરપકડ કરી છે. બંને સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, જંગલી પ્રાણીઓની પજવણી કરવી ગંભીર ગુનો છે અને આવા કૃત્યોને કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. સમગ્ર ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલુ છે.
વન વિભાગે પ્રવાસીઓને પણ અપીલ કરી છે કે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત દરમિયાન નિયમોનું પાલન કરે અને કોઈપણ જંગલી પ્રાણીને ઉશ્કેરવાનો અથવા પજવણી કરવાનો પ્રયાસ ન કરે, કારણ કે તે પ્રાણીઓ તેમજ મુલાકાતીઓ બંનેની સુરક્ષા માટે જોખમી સાબિત થઈ શકે છે.









