3,984 દારૂની બોટલ અને 400 લિટર આલ્કોહોલિક કેમિકલ સહિત ₹12.26 લાખનો મુદ્દામાલ કબજે; બે આરોપીઓ ઝડપાયા
રાજકોટ: બામણબોર ચેકપોસ્ટ નજીક PCBની ટીમે મોટી કાર્યવાહી કરતાં ડુપ્લિકેટ દારૂ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રાજસ્થાનથી રાજકોટ તરફ આવી રહેલા શંકાસ્પદ ટ્રકમાંથી દારૂની બોટલો અને આલ્કોહોલિક કેમિકલ મળી આવતા પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની સૂચના અને PCB PI એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ ટીમ ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ સામે પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન મળેલી બાતમીના આધારે રાજકોટ-અમદાવાદ હાઇવે પર બામણબોર ચેકપોસ્ટ નજીક RJ-02-GA-9643 નંબરના ટ્રકને રોકી તપાસ કરવામાં આવી હતી.
ટ્રકમાં સિરામિક પાવડરની બોરીઓની આડમાં છુપાવેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની 3,984 દારૂની બોટલો અને 400 લિટર આલ્કોહોલિક કેમિકલ જપ્ત કર્યું હતું.
PCB દ્વારા દારૂ, કેમિકલ અને ટ્રક સહિત કુલ ₹12.26 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે રાજસ્થાનના રઘુવીરસિંહ રતનસિંહ ચૌહાણ અને ગોકુલસિંહ સંગ્રામસિંહ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે દારૂનો જથ્થો રાજસ્થાનથી લાવવામાં આવ્યો હતો અને રાજકોટ નજીક બુટલેગરો સુધી પહોંચાડવાનો હતો. દારૂનો જથ્થો પહોંચે તે પહેલાં જ PCBની ટીમે કાર્યવાહી કરીને સમગ્ર કાવતરું નિષ્ફળ બનાવ્યું હતું.
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આલ્કોહોલિક કેમિકલનો ઉપયોગ દારૂની બોટલોમાં ભેળસેળ કરીને નકલી દારૂ તરીકે વેચવા માટે થવાનો હતો. પોલીસની સમયસરની કાર્યવાહીથી નબળી ગુણવત્તાવાળો દારૂ બજારમાં પહોંચતા અટકાવવામાં આવ્યો છે.
હાલ PCBની ટીમ દ્વારા આ રેકેટ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ, સપ્લાયરો અને બુટલેગરોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. તપાસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.









