સારવાર દરમિયાન વધુ એક શ્રમિકનું મોત; ગેરકાયદે કેમિકલ સંગ્રહ અને ફટાકડા ઉત્પાદનના એંગલથી તપાસ તેજ
અમદાવાદ: વસ્ત્રાલ રોડ પર મહેમૂદપુરા કેનાલ નજીક આવેલી ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં થયેલા વિનાશક વિસ્ફોટમાં ગંભીર રીતે દાઝેલા વધુ એક શ્રમિકનું સારવાર દરમિયાન મોત થતાં મૃત્યુઆંક 10 પર પહોંચી ગયો છે. બીજી તરફ, સમગ્ર ઘટનામાં પોલીસે ઝડપી કાર્યવાહી કરીને મુખ્ય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં તેમના 27 જુલાઈ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસ મુજબ, ગણેશોત્સવ માટે મોટા પ્રમાણમાં ફટાકડાનું ઉત્પાદન ચાલી રહ્યું હતું. જરૂરી કાયદાકીય મંજૂરી વિના ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં વિસ્ફોટક અને જ્વલનશીલ કેમિકલનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો. બપોરના સમયે થયેલા પ્રચંડ વિસ્ફોટમાં માત્ર થોડી જ ક્ષણોમાં આખી ફેક્ટરીનો શેડ ધરાશાયી થઈ ગયો હતો.
આ દુર્ઘટનામાં દાહોદ જિલ્લાના એક જ પરિવારની માતા અને તેમના ચાર માસૂમ બાળકો સહિત અનેક શ્રમિકોએ જીવ ગુમાવ્યો હતો. ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું અને ગેરકાયદે ફટાકડા ઉત્પાદન સામે અનેક સવાલો ઉભા કર્યા છે.
પોલીસે મુખ્ય આરોપી મેહુલ ડોડિયા, તેની માતા અને ભાગીદાર સાદિક સૈયદની ધરપકડ કરી છે. રિમાન્ડ દરમિયાન ફેક્ટરીના સંચાલન, કેમિકલ ક્યાંથી લાવવામાં આવ્યા, ગેરકાયદેસર ઉત્પાદન પાછળ સંકળાયેલા અન્ય લોકો અને સંભવિત બેદરકારી સહિતના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવશે.
હાલ હોસ્પિટલમાં ચાર ઘાયલો સારવાર હેઠળ છે. તબીબોના જણાવ્યા મુજબ એક મહિલાની હાલત હજુ પણ નાજુક છે, જ્યારે અન્ય દર્દીઓની સારવાર સતત ચાલી રહી છે.
પોલીસ, એફએસએલ અને અન્ય તપાસ એજન્સીઓ સમગ્ર ઘટનાની તમામ દિશામાં તપાસ કરી રહી છે. સાથે જ ગેરકાયદેસર ફટાકડા ઉત્પાદન અને કેમિકલ સપ્લાય ચેઇન સાથે સંકળાયેલા અન્ય લોકોની ભૂમિકા પણ તપાસના કેન્દ્રમાં આવી છે.









