કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલમાં વાદળ ફાટવા, ભૂસ્ખલન અને પૂરથી ભારે તારાજી; આગામી 48 કલાક માટે હાઈ એલર્ટ
નવી દિલ્હી: ઉત્તર ભારતના પર્વતીય રાજ્યોમાં ભારે વરસાદે વિનાશક સ્વરૂપ ધારણ કર્યું છે. જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવા, ભૂસ્ખલન અને પૂર જેવી ઘટનાઓમાં છેલ્લા બે દિવસ દરમિયાન 24 લોકોનાં મોત થયા છે, જ્યારે અનેક લોકો હજુ પણ લાપત્તા હોવાનું જાણવા મળ્યું છે. પરિસ્થિતિને પગલે અમરનાથ, માતા વૈષ્ણોદેવી અને ચારધામ યાત્રા અસ્થાયી રીતે સ્થગિત કરવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરમાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં ભારે નુકસાન થયું છે. પૂંછ જિલ્લામાં ભૂસ્ખલનથી એક મકાન ધરાશાયી થતાં એક જ પરિવારના સાત લોકોનાં મોત થયા હતા. ડોડા જિલ્લામાં બસ પર પથ્થર ધસી પડતાં બે લોકોના જીવ ગયા હતા, જ્યારે અન્ય વિસ્તારોમાં પણ જાનહાનિના બનાવો નોંધાયા છે.
હવામાન વિભાગે આગામી 48 કલાક અત્યંત સંવેદનશીલ ગણાવી ભારે વરસાદની ચેતવણી આપી છે. તવી અને ચિનાબ નદીઓમાં જળસ્તર વધતાં અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે. રાજ્ય સરકારે સાવચેતીના ભાગરૂપે સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરી દીધી છે અને રાહત-બચાવ કામગીરી તેજ બનાવી છે.
ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા સતત બીજા દિવસે સ્થગિત રાખવામાં આવી છે, જ્યારે કટરામાં હજારો યાત્રાળુઓ અટવાયેલા છે. વૈષ્ણોદેવી યાત્રામાર્ગ પર અનેક સ્થળોએ ભૂસ્ખલન થતાં માર્ગોને અસ્થાયી રીતે બંધ કરી દેવાયા છે અને સુરક્ષા દળો માર્ગ ખુલ્લા કરવાની કામગીરીમાં લાગ્યા છે.
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા પણ ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે અટકાવવામાં આવી છે. મસૂરી-દેહરાદૂન સહિતના અનેક માર્ગો ધોવાઈ જતા યાત્રાળુઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરી કુલ્લુ, શિમલા સહિતના વિસ્તારોમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.
રાહત અને બચાવ દળો સતત કામગીરી કરી રહ્યા છે, જ્યારે પ્રશાસને લોકોને નદી-નાળાથી દૂર રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરી છે.









