ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં બુધવારે સાંજે જાણીતા હરિયાણવી સિંગર અને યુટ્યુબર અંકિત બાલિયાનની ગોળી મારીને હત્યા થતાં ભારે ચકચાર મચી ગઈ છે. 32 વર્ષીય અંકિત જિમમાંથી કસરત કરીને બહાર નીકળ્યો હતો અને પોતાની સ્કોર્પિયો કાર તરફ જઈ રહ્યો હતો ત્યારે બે બાઇક પર આવેલા ચાર શખ્સોએ તેના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
મળતી માહિતી મુજબ, ઘટના સાંજે આશરે 7 વાગ્યે બની હતી. હુમલાખોરોએ અંકિત પર લગભગ 18 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પાંચ ગોળી તેના માથા અને પેટના ભાગે વાગતાં તે ગંભીર રીતે ઘવાયો હતો. ઘટનાસ્થળેથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
હત્યા બાદ રસ્તા પર ઉતર્યા લોકો
અંકિતની હત્યાની જાણ થતાં જ તેના પરિવારજનો, સમર્થકો અને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો. લોકોએ દિલ્હી-મુઝફ્ફરનગર રોડ પર ચક્કાજામ કરીને આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ સાથે વિરોધ કર્યો હતો. અંકિતની માતા પુત્રના મૃતદેહને ખોળામાં રાખીને આક્રંદ કરતી જોવા મળતાં ઘટનાસ્થળે કરુણ દૃશ્યો સર્જાયા હતા.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે આસપાસના CCTV ફૂટેજની તપાસ શરૂ કરી છે. હુમલાખોરોને ઝડપી પાડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો પણ બનાવવામાં આવી છે.
યુટ્યુબ પર 3.66 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ
શામલીના બાંતિખેડા ગામના રહેવાસી અંકિત બાલિયાન હરિયાણવી ગીતો માટે જાણીતા હતા. યુટ્યુબ પર તેમના 3.66 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ હતા. તેમનું ‘ભારી કોર્ટ મેં ગોલી મારેંગે મેરી જાન’ ગીત તાજેતરમાં ખાસ ચર્ચામાં આવ્યું હતું.
સંગીત ક્ષેત્ર ઉપરાંત અંકિત સ્થાનિક રાજકારણમાં પણ પ્રવેશ કરવાની તૈયારી કરી રહ્યા હતા. તેઓ જિલ્લા પંચાયતની રાજનીતિમાં સક્રિય થવાની તૈયારીમાં હોવાનું જાણવા મળ્યું છે.
હત્યા પાછળના કારણની તપાસ શરૂ
ઘટના બાદ રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવીને સમગ્ર મામલાની ગંભીર તપાસની માંગ કરી છે.
હાલ પોલીસ CCTV ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની કામગીરી કરી રહી છે. પોલીસ તપાસ આગળ વધતાં હત્યા પાછળનું ચોક્કસ કારણ અને સંડોવાયેલા લોકો અંગે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.









