મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રથમ સત્તાવાર પ્રવાસે જશે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બ્રિટન-જાપાનમાં કરશે વાઈબ્રન્ટ રોડ શો
રાજકોટ: ગુજરાત સરકાર આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ને અત્યાર સુધીની સૌથી ભવ્ય અને ઐતિહાસિક રોકાણ સમિટ બનાવવા માટે તૈયારીઓમાં લાગી ગઈ છે. રાજ્ય સરકારનું લક્ષ્ય માત્ર નવા રોકાણો આકર્ષવાનું નહીં, પરંતુ આગામી દાયકાના ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે વૈશ્વિક ભાગીદારીને નવી દિશા આપવાનું છે.
આગામી સમિટમાં ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, એવિએશન, ગ્રીન એનર્જી, મેન્યુફેક્ચરિંગ, ડિજિટલ ઇકોનોમી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોને વિશેષ સ્થાન આપવામાં આવશે. રાજ્ય સરકારે અગાઉ શરૂ કરાયેલી રીજનલ વાઈબ્રન્ટ કોન્ફરન્સની સફળતાને આધારે સ્થાનિક ઉદ્યોગકારો અને MSME સેક્ટરને પણ વૈશ્વિક રોકાણકારો સાથે જોડવાનો વ્યાપક પ્લાન તૈયાર કર્યો છે.
વાઈબ્રન્ટ-2027ને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ પ્રભાવશાળી બનાવવા માટે રાજ્ય સરકાર વિદેશી રોડ શોની પણ શરૂઆત કરશે. આ અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ટૂંક સમયમાં અમેરિકાના પ્રવાસે જઈ વૈશ્વિક રોકાણકારો અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે. મુખ્યમંત્રી બન્યા બાદ તેમનો આ પ્રથમ સત્તાવાર વિદેશ પ્રવાસ હોવાનું માનવામાં આવે છે.
તે જ સમયે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બ્રિટન અને જાપાનના પ્રવાસે જઈ વાઈબ્રન્ટ ગુજરાત-2027 માટે રોકાણકારો સાથે સીધો સંવાદ કરશે. બ્રિટનમાં તાજેતરમાં અમલમાં આવેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના સંદર્ભમાં નવા રોકાણની તકો પર ચર્ચા થશે, જ્યારે જાપાનમાં અદ્યતન ટેકનોલોજી અને ઔદ્યોગિક સહયોગને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો હાથ ધરાશે.
સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ, વરિષ્ઠ IAS અધિકારીઓની વિશેષ ટીમ પણ આ વિદેશ પ્રવાસમાં જોડાશે અને વિવિધ દેશોમાં ઉદ્યોગ સંસ્થાઓ, રોકાણકારો તથા બહુરાષ્ટ્રીય કંપનીઓ સાથે બેઠક કરીને વાઈબ્રન્ટ ગુજરાત-2027 માટેની વૈશ્વિક બ્લૂપ્રિન્ટને અંતિમ સ્વરૂપ આપશે.
રાજ્ય સરકારનું માનવું છે કે વાઈબ્રન્ટ ગુજરાત-2027 માત્ર રોકાણ સમિટ નહીં, પરંતુ ગુજરાતને આગામી દાયકામાં વૈશ્વિક ઔદ્યોગિક, ટેકનોલોજીકલ અને આર્થિક હબ તરીકે સ્થાપિત કરવાની મહત્વાકાંક્ષી પહેલ સાબિત થશે.









