સુરત: સુરત સાયબર ક્રાઇમ પોલીસે વજન ઘટાડવાની દવાના નામે લોકોને વિશ્વાસમાં લઈ ₹1.77 કરોડની છેતરપિંડી આચરનાર આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરીને ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન દેશભરમાં ₹75થી ₹80 કરોડની છેતરપિંડી થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ ફેક વેબસાઇટ, સોશિયલ મીડિયા જાહેરાતો અને ઓનલાઈન પ્રમોશન દ્વારા ખાસ કરીને મહિલાઓને નિશાન બનાવતા હતા. વજન ઘટાડવાની દવા અને હેલ્થ પ્રોડક્ટ્સના આકર્ષક દાવા કરીને તેઓ ગ્રાહકો પાસેથી મોટી રકમ વસૂલતા હતા.
તપાસના આધારે સુરત સાયબર ક્રાઇમની ટીમે હરિયાણાના ગુરુગ્રામ સ્થિત કોલ સેન્ટર પર દરોડો પાડી ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. દરોડા દરમિયાન છેતરપિંડીમાં ઉપયોગમાં લેવાતા ડિજિટલ સાધનો અને મહત્વના પુરાવા પણ કબજે કરવામાં આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ છેલ્લા ચાર વર્ષથી દેશના વિવિધ રાજ્યોમાં ઓનલાઈન છેતરપિંડીનું નેટવર્ક ચલાવી રહી હતી. પોલીસ હવે નાણાંના વ્યવહારો, અન્ય સંડોવાયેલા આરોપીઓ અને છેતરાયેલા ભોગ બનનારાઓની સંખ્યા અંગે વધુ તપાસ ચલાવી રહી છે.









