દેશમાં વરસાદની 43 ટકા ખાધ, જુલાઈના પ્રારંભે ચોમાસું પકડશે રફતાર

નવી દિલ્હી: દેશમાં નૈઋત્ય ચોમાસું હજુ પણ અસ્થિર સ્થિતિમાં છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી ત્રણથી પાંચ દિવસમાં ચોમાસું વધુ વિસ્તારોમાં આગળ વધીને ગતિ પકડશે, પરંતુ અત્યાર સુધી નોંધાયેલી 43 ટકા વરસાદની ખાધને કારણે કૃષિ અને જળસંગ્રહ અંગેની ચિંતા યથાવત રહેશે.

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન પૂર્વોત્તર ભારત તેમજ પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ચોમાસું મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને છત્તીસગઢમાં આગળ વધશે, ત્યારબાદ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને દક્ષિણ-પૂર્વ રાજસ્થાનના વિસ્તારોને પણ આવરી લેવાની સંભાવના છે.

હવામાન વિભાગે પૂર્વોત્તર રાજ્યોમાં પૂર, ભૂસ્ખલન અને માર્ગ વ્યવહાર પ્રભાવિત થવાની ચેતવણી આપી છે. બીજી તરફ, 2 જુલાઈથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા હોવાથી ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે.

હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, અલ નીનોની અસરને કારણે ચોમાસાની ગતિ અનિયમિત રહી શકે છે. જુલાઈની શરૂઆતમાં વરસાદી પ્રવૃત્તિમાં વધારો થવાની સંભાવના હોવા છતાં દેશભરમાં વરસાદની ખાધ ઝડપથી પૂરી થશે તેવી શક્યતા ઓછી છે. ખાસ કરીને મધ્ય અને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ગરમી અને શુષ્ક વાતાવરણ યથાવત રહી શકે છે.

IMDના વૈજ્ઞાનિક અખિલ શ્રીવાસ્તવે જણાવ્યું કે 1થી 28 જૂન દરમિયાન દેશમાં સરેરાશ 85.2 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય સરેરાશ 149.8 મીમી હોય છે. એટલે કે દેશભરમાં અત્યાર સુધી 43 ટકા વરસાદની ખાધ નોંધાઈ છે, જે વર્ષ 2009 પછીની સૌથી મોટી ખાધ માનવામાં આવે છે.

પ્રાદેશિક આંકડા મુજબ ઉત્તર-પશ્ચિમ ભારતમાં 29 ટકા, પૂર્વોત્તર ભારતમાં 43 ટકા, મધ્ય ભારતમાં 56 ટકા અને દક્ષિણ ભારતમાં 31 ટકા વરસાદની ખાધ નોંધાઈ છે. નિષ્ણાતોના મતે જો જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન મજબૂત વરસાદી સિસ્ટમો સક્રિય નહીં બને તો કૃષિ, પીવાના પાણી અને જળસંગ્રહ પર ગંભીર અસર પડી શકે છે.

હવામાન નિષ્ણાતોએ જણાવ્યું કે હાલમાં ગુજરાત, મહારાષ્ટ્રથી લઈને ઓડિશા અને આંધ્ર પ્રદેશના કેટલાક વિસ્તારો સુધીનો પટ્ટો વરસાદની અછતનો સામનો કરી રહ્યો છે. આગામી અઠવાડિયાઓમાં ચોમાસાની ગતિ અને વરસાદનું પ્રમાણ આ વિસ્તારોની સ્થિતિ નક્કી કરશે.

Leave a Comment

Traffic Tail