રાજકોટ-ભાવનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બેકાબૂ કાર દુકાનમાં ઘૂસી જતાં વેપારીનું મોત

રાજકોટ-ભાવનગર હાઈવે પર ત્રંબા નજીક એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. એક KIA કારના ચાલકે કાબૂ ગુમાવતાં કાર સીધી રોડ કિનારે આવેલી દુકાનમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં દુકાનના માલિકનું ઘટનાસ્થળે જ મોત નીપજતાં વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ, પૂજા એંગો નામની દુકાનના માલિક કૈલાસ દામજીભાઈ બારસિયા દુકાન બંધ કરીને જમવા માટે ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક પૂરપાટ ઝડપે આવી રહેલી KIA કાર બેકાબૂ બની ગઈ હતી અને સીધી તેમની દુકાનમાં ઘૂસી ગઈ હતી.

અકસ્માત એટલો ગંભીર હતો કે કૈલાસ દામજીભાઈ બારસિયાને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સમગ્ર ઘટના કારના ડેશકેમ તેમજ નજીકના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. અકસ્માતના વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં કાર અચાનક નિયંત્રણ ગુમાવી દુકાનમાં ઘૂસતી જોવા મળે છે.

ઘટનાની જાણ થતાં આજીડેમ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માતનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે તેમજ CCTV અને ડેશકેમના ફૂટેજના આધારે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Comment

Traffic Tail