‘જસ્ટિસ ઓન ટ્રાયલ’ હવે વધુ મજબૂત કાનૂની આધાર સાથે બીબીસી સામે નવો કેસ દાખલ કરશે
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી બીબીસીની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરી **‘ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન’**ને લઈને ચાલી રહેલા કાનૂની વિવાદમાં મહત્વનો વળાંક આવ્યો છે. ગુજરાત સ્થિત બિન-સરકારી સંસ્થા **‘જસ્ટિસ ઓન ટ્રાયલ’**એ બીબીસી સામે દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરેલો રૂ.10,000 કરોડનો માનહાનિનો દાવો પાછો ખેંચી લીધો છે.
સંસ્થાએ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે હાલની અરજી પાછી ખેંચીને આ જ મુદ્દે વધુ મજબૂત કાનૂની આધાર અને જરૂરી વિગતો સાથે નવો દાવો દાખલ કરવામાં આવશે. દિલ્હી હાઈકોર્ટે સંસ્થાને હાલનો દાવો પાછો ખેંચવાની મંજૂરી આપી છે.
ડોક્યુમેન્ટરી સામે શું હતો વાંધો?
બીબીસીએ બે ભાગમાં રજૂ કરેલી ‘ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન’ ડોક્યુમેન્ટરી સામે ‘જસ્ટિસ ઓન ટ્રાયલ’ દ્વારા માનહાનિનો કેસ કરવામાં આવ્યો હતો. સંસ્થાનો આરોપ હતો કે ડોક્યુમેન્ટરી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબીને નુકસાન પહોંચાડવા ઉપરાંત ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠા અને ન્યાયતંત્રની વિશ્વસનીયતા પર પણ અસર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કોર્ટમાં નવો દાવો રજૂ થશે
દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ તુષાર રાવ ગેડેલાની બેન્ચ સમક્ષ સુનાવણી દરમિયાન સંસ્થા તરફથી એડવોકેટ સિદ્ધાર્થ શર્માએ હાલનો દાવો પાછો ખેંચવાની પરવાનગી માગી હતી. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે તમામ કાનૂની પાસાઓને યોગ્ય રીતે આવરી લઈને આ જ મુદ્દે નવેસરથી દાવો રજૂ કરવામાં આવશે.
કોર્ટે અરજી પાછી ખેંચવાની મંજૂરી આપતાં હવે સંસ્થા માટે નવા દાવાનો માર્ગ ખુલ્યો છે.
ડોક્યુમેન્ટરીથી ભારતમાં સર્જાયો હતો વિવાદ
‘ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન’ ડોક્યુમેન્ટરી રજૂ થયા બાદ ભારતમાં ભારે વિવાદ થયો હતો. કેન્દ્ર સરકારે પણ તેના પ્રસારણ અને ઓનલાઈન ઉપલબ્ધતા સામે પગલાં લીધાં હતાં. હવે ‘જસ્ટિસ ઓન ટ્રાયલ’ દ્વારા નવો કેસ ક્યારે દાખલ કરવામાં આવે છે અને તેમાં કયા નવા પુરાવા તથા કાનૂની આધાર રજૂ કરવામાં આવે છે તેના પર નજર રહેશે.









