મુવાફ્ફક સલાતી એરબેઝને નિશાન બનાવાયો, અમેરિકાએ 30થી વધુ પેટ્રિયટ મિસાઈલથી જવાબ આપ્યાનો દાવો
અમ્માન: અમેરિકા અને ઈરાન વચ્ચેનો સૈન્ય સંઘર્ષ વધુ ગંભીર બની રહ્યો છે. ઈરાને જોર્ડનમાં આવેલા અમેરિકી મુવાફ્ફક સલાતી એરબેઝને નિશાન બનાવી ડ્રોન અને મિસાઈલથી મોટો હુમલો કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. હુમલામાં અમેરિકાના અનેક ફાઈટર જેટ અને હેલિકોપ્ટરને નુકસાન પહોંચ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
હુમલા બાદ સામે આવેલા કેટલાક વીડિયોમાં નુકસાનગ્રસ્ત અમેરિકી એરક્રાફ્ટને એરબેઝ પરથી અન્ય સ્થળે ખસેડવામાં આવી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, વીડિયોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.
અમેરિકન મીડિયા અહેવાલોને ટાંકીને કરવામાં આવેલા દાવા મુજબ, હુમલામાં આશરે 8 F-15 ફાઈટર જેટને નુકસાન થયું હતું. નુકસાનગ્રસ્ત વિમાનોને સમારકામ માટે ખસેડવાની જરૂર પડી હોવાનો પણ દાવો છે. આ ઉપરાંત અમેરિકી વાયુસેનાનું A-10 થંડરબોલ્ટ-2, જેને ‘વોરથોગ’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પણ હુમલાની ઝપેટમાં આવ્યું હોવાના અહેવાલ છે.
કેટલાક અહેવાલોમાં A-10 એરક્રાફ્ટની એક પાંખને ગંભીર નુકસાન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ અંગે અમેરિકી સત્તાવાળાઓ તરફથી સંપૂર્ણ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી.
હુમલો રોકવા પેટ્રિયટ મિસાઈલોનો ઉપયોગ
ઈરાનના ડ્રોન અને મિસાઈલ હુમલાને અટકાવવા માટે અમેરિકાએ 30થી વધુ પેટ્રિયટ મિસાઈલ છોડવી પડી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. જો આ આંકડો સાચો હોય તો હુમલાને રોકવા માટે અમેરિકાને મોટા પ્રમાણમાં મોંઘા એર-ડિફેન્સ ઇન્ટરસેપ્ટરનો ઉપયોગ કરવો પડ્યો હોવાનું માનવામાં આવે છે.
જોર્ડનમાં આવેલું મુવાફ્ફક સલાતી એરબેઝ અમેરિકી સૈન્ય માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. તેથી અહીં થયેલો હુમલો અમેરિકા-ઈરાન વચ્ચે વધી રહેલા સીધા સૈન્ય તણાવનો વધુ એક ગંભીર સંકેત માનવામાં આવી રહ્યો છે. જોકે, એરબેઝને થયેલા નુકસાન અને અમેરિકી એરક્રાફ્ટના નુકસાન અંગેના દાવાઓની અંતિમ પુષ્ટિ સત્તાવાર માહિતી બાદ જ થઈ શકશે.









