ચોમાસાનું સૌરાષ્ટ્રમાં આગમન: હવે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતા

પોરબંદરથી રાજકોટ સુધી ચોમાસાની એન્ટ્રી; 4થી 6 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં વ્યાપક વરસાદની આગાહી

અમદાવાદ: દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યા બાદ લગભગ એક સપ્તાહ સુધી સ્થિર રહેલું નૈઋત્ય ચોમાસું હવે ગતિ પકડી રહ્યું છે. હવામાન વિભાગના તાજા બુલેટિન મુજબ ચોમાસું હવે સૌરાષ્ટ્રમાં પણ પ્રવેશી ગયું છે અને અર્ધા સૌરાષ્ટ્ર વિસ્તારને આવરી લીધા બાદ આગામી દિવસોમાં સમગ્ર પ્રદેશમાં આગળ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ ચોમાસાની સીમા પોરબંદર, વલ્લભ વિદ્યાનગર, શાહજહાંપુર, નૌગાંવ, મિર્ઝાપુર, આઝમગઢ, અયોધ્યા, મેરઠ, કર્નાલ અને ગુરુદાસપુરમાંથી પસાર થઈ રહી છે. સૌરાષ્ટ્રમાં પોરબંદરથી રાજકોટ નજીકના શાપર વિસ્તાર સુધી ચોમાસું સક્રિય બન્યું છે, જેના કારણે રાજકોટ જિલ્લાના મોટા ભાગમાં વરસાદી માહોલ જામ્યો છે.

જો કે, કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી હજુ બાકી છે. આગામી બે દિવસ દરમિયાન ચોમાસું ઉત્તર અરબી સમુદ્ર અને ગુજરાતના બાકીના વિસ્તારોમાં પણ આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ 7 જુલાઈ સુધી ગુજરાત રીજન, કોંકણ, ગોવા, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વ્યાપક વરસાદ વરસી શકે છે. જ્યારે 4થી 6 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સાર્વત્રિક વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત 5 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ, વીજળીના કડાકા અને પ્રતિ કલાક 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 6 જુલાઈએ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાની પણ સંભાવના દર્શાવવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી અને આગામી દિવસોમાં સારા વરસાદની આગાહીને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા લોકોમાં પણ હવે રાહત અને સારા ચોમાસાની આશા જાગી છે.

Leave a Comment

Traffic Tail