મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે સાઉદી અરબે દાવો કર્યો છે કે યમનના હુથી બળવાખોરોએ ઇસ્લામના સૌથી પવિત્ર શહેર મક્કાને નિશાન બનાવી ડ્રોન હુમલાનો પ્રયાસ કર્યો હતો. સાઉદી એર ડિફેન્સે ડ્રોનને પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રમાં પ્રવેશે તે પહેલાં જ તોડી પાડ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ઘટના બાદ મક્કા સહિત જેદ્દાહ અને તાઇફના વિસ્તારોમાં સુરક્ષા એલર્ટ જાહેર કરાયું હતું. મક્કાના ઈતિહાસમાં પહેલીવાર હવાઈ હુમલાની ચેતવણી માટે સાયરન વગાડવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. લોકોને ઊંચી ઇમારતો અને ભીડભાડવાળા વિસ્તારોમાંથી દૂર રહેવાની સૂચના પણ આપવામાં આવી હતી.
જોકે, હુથી બળવાખોરોએ મક્કાને નિશાન બનાવવાના આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. સાઉદી અરબ અને હુથીઓના પરસ્પર વિરોધાભાસી દાવાઓ વચ્ચે આ ઘટના મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવનું વધુ એક ગંભીર પ્રકરણ બની છે.









