દૌસા: રાજસ્થાનના દૌસા જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર મંગળવારે મોડી રાત્રે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 8 લોકોનાં મોત થયા છે, જ્યારે 21 મુસાફરો ઘાયલ થયા છે. અકસ્માત બાદ બસ અને ટ્રકમાં ભીષણ આગ ફાટી નીકળતાં અનેક મુસાફરો તેમાં ફસાઈ ગયા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ઋષિકેશ (હરિદ્વાર વિસ્તાર)થી ઇન્દોર જઈ રહેલી યાત્રાળુઓથી ભરેલી સ્લીપર બસ કોલવા પોલીસ સ્ટેશન વિસ્તારના તનવાડ ઝીરો પોઈન્ટ નજીક આગળ જઈ રહેલા ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને વાહનોમાં આગ ભભૂકી ઊઠી.
દૌસાના પોલીસ અધિક્ષક પિયુષ દિક્ષિતે જણાવ્યું કે અકસ્માત સવારે અંદાજે 2:30 વાગ્યે થયો હતો. મૃતકોમાં છ લોકો આગમાં દાઝી જવાથી, જ્યારે બે લોકોના માથામાં ગંભીર ઈજા થવાથી મોત થયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
અકસ્માત સમયે બસમાં કુલ 37 મુસાફરો સવાર હતા. આગ ઝડપથી ફેલાતા બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવામાં ભારે મુશ્કેલી પડી હતી. સ્થાનિક લોકો, પોલીસ, ફાયર બ્રિગેડ અને બચાવ ટીમોએ સંયુક્ત રીતે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘાયલોને દૌસા જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ગંભીર હાલતમાં રહેલા કેટલાક મુસાફરોને ઉચ્ચ સારવાર માટે અન્ય હોસ્પિટલોમાં રિફર કરવામાં આવ્યા છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ બસ લગભગ એક કલાક સુધી સળગતી રહી હતી. અકસ્માતમાં કેટલાક બાળકો પણ ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.
દરમિયાન, કેટલાક સ્થાનિકોએ બસના સ્ટોરેજ બોક્સમાં સિગારેટના પેકેટનો જથ્થો હોવાનો દાવો કર્યો છે, જેના કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ હોવાનું તેઓ માની રહ્યા છે. જોકે, પોલીસે આ દાવાની કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી અને અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે.









