જુલાઈમાં પણ સામાન્ય કરતાં ઓછા વરસાદની આગાહી, હવામાન વિભાગે વ્યક્ત કરી ચિંતા

નવી દિલ્હી: ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં જૂન મહિનામાં ચોમાસું નબળું રહ્યું હતું ત્યારે હવે જુલાઈ મહિનામાં પણ સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. વિભાગના અનુમાન મુજબ જુલાઈ દરમિયાન દેશમાં સરેરાશના 94 ટકા કરતાં પણ ઓછો વરસાદ નોંધાઈ શકે છે.

સામાન્ય રીતે ચોમાસા દરમિયાન સૌથી વધુ વરસાદ જુલાઈ મહિનામાં વરસે છે અને સરેરાશ આશરે 280.4 મીમી વરસાદ નોંધાય છે. જોકે, આ વર્ષે અલ નીનોની અસરને કારણે ચોમાસું અનિયમિત અને વેરવિખેર રહ્યું છે, જેના કારણે જૂન મહિનામાં વરસાદમાં નોંધપાત્ર ખાધ રહી હતી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જુલાઈ મહિનામાં જૂનની વરસાદી ખાધ સંપૂર્ણપણે સરભર થાય તેવી શક્યતા ઓછી છે. ઉત્તર-પશ્ચિમ ભારત, ઉત્તર-પૂર્વીય રાજ્યો અને પૂર્વ-મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના છે, જ્યારે દેશના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.

હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રએ જણાવ્યું હતું કે જુલાઈના પ્રથમ સપ્તાહ દરમિયાન બંગાળની ખાડીમાં સર્જાનાર લો-પ્રેશર સિસ્ટમના પ્રભાવથી દેશના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

આંકડા મુજબ જૂન મહિનામાં દેશમાં સરેરાશ 99.5 મીમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 40 ટકાથી વધુ ઓછો રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ચોમાસાની ગતિ અને વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી હોવાનું પણ જણાવ્યું છે.

Leave a Comment

Traffic Tail