નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવમાં ઘટાડો તેમજ હોર્મુઝ જળમાર્ગ પર સપ્લાય સામાન્ય બનતા દેશમાં એલપીજી ગ્રાહકોને રાહત મળી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજથી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹183.50નો ઘટાડો જાહેર કર્યો છે.
આ ઘટાડાથી હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા, કેટરિંગ વ્યવસાય અને નાના ખાણીપીણીના ધંધાર્થીઓને સીધો લાભ મળશે. દિલ્હીમાં 19 કિલોનો કોમર્શિયલ સિલિન્ડર હવે ₹2,930માં ઉપલબ્ધ થશે, જેનો અગાઉનો ભાવ ₹3,113.50 હતો. કોલકાતામાં પણ ₹174નો ઘટાડો કરવામાં આવ્યો છે.
સરકારે 5 કિલોના એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹13નો ઘટાડો કરતાં તેની કિંમત ₹821.50થી ઘટીને ₹808.50 થઈ છે. આ રાહતનો સૌથી વધુ લાભ ગરીબ અને શ્રમિક વર્ગને મળશે.
જો કે 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે યથાવત રાખવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2026 દરમિયાન પ્રથમ વખત કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. અગાઉ માર્ચથી અત્યાર સુધી ચાર વખત ભાવવધારો કરવામાં આવ્યો હતો, જેમાં મે મહિનામાં એક જ વખત લગભગ ₹993નો વધારો નોંધાયો હતો.
બીજી તરફ કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનો પરની વિન્ડફોલ ટેક્સ વ્યવસ્થામાં પણ ફેરફાર કર્યો છે. પેટ્રોલ પરનો વિન્ડફોલ ટેક્સ પ્રતિ લીટર ₹1.50થી વધારી ₹4 કરવામાં આવ્યો છે, જ્યારે ડીઝલ પરનો નિકાસ ટેક્સ ₹14થી ઘટાડીને ₹8.50 અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પરનો ટેક્સ ₹12.50થી ઘટાડીને ₹7.50 પ્રતિ લીટર કરવામાં આવ્યો છે.
આ ફેરફારોથી નિકાસ ક્ષેત્રને રાહત મળશે અને વૈશ્વિક બજારમાં ભારતીય પેટ્રોલિયમ ઉત્પાદનોની સ્પર્ધાત્મકતા વધુ મજબૂત બનવાની શક્યતા છે.









