ઉત્તર ભારતમાં ચોમાસાનું જોર વધ્યું: જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યા, ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત

દિલ્હીમાં રેડ એલર્ટ, પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન; આસામમાં પૂરની સ્થિતિ ગંભીર, હજારો લોકો સુરક્ષિત સ્થળે ખસેડાયા

નવી દિલ્હી: નૈઋત્ય ચોમાસું હવે ઉત્તર ભારતમાં સંપૂર્ણ રીતે સક્રિય બનતાં જમ્મુ-કાશ્મીરથી લઈને ઉત્તરાખંડ સુધી ભારે વરસાદનો દોર શરૂ થયો છે. પંજાબને બાદ કરતાં ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાએ જોર પકડ્યું છે. મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં ભારે વરસાદને પગલે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં અનેક સ્થળોએ વાદળ ફાટવાની ઘટનાઓ નોંધાઈ છે.

પહાડી રાજ્યોમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પાણીનો પ્રવાહ વધ્યો છે અને અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે. ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા દરમિયાન સતત વરસાદ અને ભેખડ ધસી પડવાના જોખમને કારણે યાત્રાળુઓ મુશ્કેલીમાં મુકાયા છે. કેદારનાથ હેલિકોપ્ટર સેવા પણ સુરક્ષાના કારણોસર અસ્થાયી રીતે સ્થગિત કરવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરના ડોડા સહિતના વિસ્તારોમાં છ સ્થળોએ વાદળ ફાટ્યાની ઘટનાઓ નોંધાઈ છે. ડોડા, કિશ્તવાડ અને બાંદીપોરા જિલ્લામાં અચાનક ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અમરનાથ યાત્રાની શરૂઆત પહેલાં જ વરસાદે યાત્રા વ્યવસ્થાને અસર પહોંચાડી છે. કિશ્તવાડ વિસ્તારમાં મચૈલ અને મિંજાલ યાત્રા પણ હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે.

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે શિમલા, મનાલી અને ધર્મશાળા સહિતના વિસ્તારોમાં અનેક માર્ગો અવરોધિત થયા છે. ઉત્તરાખંડના દેહરાદૂન, બાગેશ્વર અને રુદ્રપ્રયાગ જિલ્લામાં પણ ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત બન્યું છે.

રાજધાની દિલ્હીમાં પણ ભારે વરસાદને પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં વરસાદ બાદ તાપમાનમાં અંદાજે છ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં કર્ણાટક, ગોવા, કોંકણ અને મહારાષ્ટ્રમાં વરસાદનું જોર વધુ વધી શકે છે. ઉપરાંત છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઓડિશા, ઉત્તરાખંડ, વિદર્ભ તેમજ ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં પણ છૂટાછવાયા ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

બીજી તરફ પૂર્વોત્તર ભારતમાં આસામમાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બની છે. રાજ્યના છ જિલ્લાઓમાં પૂરનો વ્યાપ વધતાં 50 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે 221 ગામો હજુ પણ પૂરથી પ્રભાવિત છે.

કર્ણાટકના મેંગલુરુમાં ભારે વરસાદ દરમિયાન એક મકાન ધરાશાયી થતાં એક મહિલા અને તેના બે સંતાનોના દુઃખદ મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Comment

Traffic Tail