ઈશાન કિશનની ધમાકેદાર કેપ્ટનશિપ : અણનમ સિલસિલો 16 મેચે પહોંચ્યો

13 વર્ષ બાદ ઈસ્ટ ઝોનને દુલીપ ટ્રોફી અપાવવામાં મહત્વની ભૂમિકા : 270 અને 80 રનની ઈનિંગ્સ સાથે કેપ્ટન તરીકે અનોખી સિદ્ધિ

ઈશાન કિશને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં પોતાની કેપ્ટનશિપનો દબદબો વધુ મજબૂત કર્યો છે. તેની આગેવાનીમાં ઈસ્ટ ઝોન 13 વર્ષ બાદ દુલીપ ટ્રોફી જીતવામાં સફળ રહ્યું છે. આ સાથે કેપ્ટન તરીકે ઈશાન કિશનનો અણનમ સિલસિલો હવે 16 ફર્સ્ટ-ક્લાસ મેચ સુધી પહોંચી ગયો છે.

દુલીપ ટ્રોફીની ફાઇનલમાં ઈસ્ટ ઝોનના કેપ્ટન ઈશાન કિશને શાનદાર બેટિંગ કરતાં પ્રથમ દાવમાં 270 રનની ધમાકેદાર ઈનિંગ્સ રમી હતી. ઈસ્ટ ઝોને પ્રથમ દાવમાં 708 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો, જ્યારે સાઉથ ઝોનની ટીમ 336 રનમાં સમેટાઈ હતી. આ રીતે ઈસ્ટ ઝોનને 372 રનની વિશાળ લીડ મળી હતી.

બીજા દાવમાં પણ ઈશાન કિશને પોતાની બેટિંગનો જલવો જાળવી રાખ્યો અને 80 રનની મહત્વપૂર્ણ ઈનિંગ્સ રમી. ઈસ્ટ ઝોને 388/7ના સ્કોર સાથે દાવ ડિકલેર કર્યો હતો. અંતે મેચ ડ્રોમાં સમાપ્ત થઈ, પરંતુ પ્રથમ દાવની લીડના આધારે ઈસ્ટ ઝોનને દુલીપ ટ્રોફીનો વિજેતા જાહેર કરવામાં આવ્યો.

ઈશાન કિશનની કેપ્ટન તરીકેની ફર્સ્ટ-ક્લાસ સફર પણ ખાસ રહી છે. તેની આગેવાની હેઠળ રમાયેલી 16 મેચોમાં ટીમ એકપણ મેચ હારી નથી. આમાંથી 8 મેચમાં જીત અને 8 મેચ ડ્રો રહી છે. આ આંકડા ઈશાનની કેપ્ટનશિપની સતત સફળતા દર્શાવે છે.

ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી લાંબા અણનમ સિલસિલાની યાદીમાં ઈશાન કિશન હવે 16 મેચ સાથે સંયુક્ત રીતે આઠમા સ્થાને પહોંચ્યો છે. આ યાદીમાં મહિન્દા હલાંગોડા 30 મેચના અણનમ સિલસિલા સાથે ટોચ પર છે.

ઈશાનની આ સિદ્ધિ તેની શાનદાર બેટિંગ સાથે અસરકારક નેતૃત્વ ક્ષમતાનો પણ પુરાવો બની છે.

Leave a Comment

Traffic Tail