BRICS સમિટનું ભવ્ય મંચ બન્યું ભારત મંડપમ : ભારતીય સંસ્કૃતિથી આધુનિક ટેકનોલોજી સુધીનો સંગમ

123 એકરમાં ફેલાયેલું અત્યાધુનિક પરિસર : શંખ આકારની ઈમારત, 27 ફૂટની નટરાજ પ્રતિમા અને 150થી વધુ પ્રતિનિધિઓની બેઠક ક્ષમતા મુખ્ય આકર્ષણ

નવી દિલ્હી : BRICS 2026 સમિટની યજમાની સાથે ભારત મંડપમ ફરી એકવાર વિશ્વના મોટા નેતાઓ અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓના મિલનનું કેન્દ્ર બન્યું છે. ભારતની યજમાની હેઠળ યોજાઈ રહેલી આ સમિટમાં BRICS દેશોના નેતાઓ મહત્વપૂર્ણ બેઠકો કરી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિ અને આધુનિક ટેકનોલોજીનો સુંદર સમન્વય ધરાવતું ભારત મંડપમ હવે ભારતની ગ્લોબલ યજમાનીની નવી ઓળખ બની ગયું છે.

આશરે 123 એકરમાં ફેલાયેલું ભારત મંડપમ પરિસર 26 જુલાઈ 2023ના રોજ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આશરે રૂ.2,700 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ અત્યાધુનિક કન્વેન્શન સેન્ટર મોટા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો અને હજારો પ્રતિનિધિઓની યજમાની કરવાની ક્ષમતા ધરાવે છે.

શંખ આકારની ઈમારત પાછળ ભારતીય વિચારધારા

ભારત મંડપમની ડિઝાઈનમાં ભારતીય સભ્યતા અને પરંપરાને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. મુખ્ય કન્વેન્શન સેન્ટરની ઈમારત શંખના આકારથી પ્રેરિત છે. ભારતીય સંસ્કૃતિમાં શંખને ચેતના, ઊર્જા અને શુભ શરૂઆતનું પ્રતીક માનવામાં આવે છે.

ભારત મંડપમની કલ્પના 12મી સદીના અનુભવ મંડપમથી પ્રેરિત હોવાનું જણાવાય છે. અનુભવ મંડપમને જાહેર ચર્ચા અને લોકતાંત્રિક સંવાદના પ્રારંભિક મંચોમાંના એક તરીકે માનવામાં આવે છે.

27 ફૂટની નટરાજ પ્રતિમા બન્યું વિશેષ આકર્ષણ

ભારત મંડપમ પરિસરની બહાર સ્થાપિત ભગવાન નટરાજની 27 ફૂટ ઊંચી અને 18 ટન વજનની અષ્ટધાતુની પ્રતિમા મુલાકાતીઓનું ધ્યાન ખેંચે છે. તમિલનાડુના સ્વામી મલાઈના પરંપરાગત કારીગરોએ તૈયાર કરેલી આ ભવ્ય પ્રતિમા ભારતની સમૃદ્ધ શિલ્પ પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે.

પરિસરની અંદર અને બહારની ડિઝાઈનમાં પણ ભારતીય વિચારધારાની ઝલક જોવા મળે છે. સૌર ઊર્જા, ISROની પ્રેરણાદાયી સફર તથા પંચમહાભૂત એટલે કે પ્રકૃતિના પાંચ તત્વોને કેન્દ્રમાં રાખીને વિવિધ ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે.

એકસાથે 150થી વધુ પ્રતિનિધિઓની બેઠક

ભારત મંડપમનો સમિટ હોલ તેની વિશાળ ક્ષમતા માટે પણ ખાસ છે. અહીં 150થી વધુ પ્રતિનિધિઓ એકસાથે બેસી શકે છે. BRICS સમિટની મહત્વપૂર્ણ બેઠકો માટે આ હોલનો ઉપયોગ થઈ રહ્યો છે.

હોલ નંબર-1માં ભારતની ટેકનોલોજીની તાકાત

ભારત મંડપમનો હોલ નંબર-1 ટેકનોલોજી અને ઈનોવેશનનું મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યો છે. અહીં ‘ભારત ઈનોવેટ્સ’ કાર્યક્રમ દરમિયાન દેશના વિવિધ વિસ્તારોમાંથી આવેલી નવી ટેકનોલોજી અને ઈનોવેશનનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ડ્રોન ટેકનોલોજીથી લઈને એડવાન્સ અને ઉભરતી ટેકનોલોજી સુધી ભારતની ઈનોવેશન ક્ષમતાની ઝલક વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. BRICSના વિશેષ કાર્યક્રમો પણ અહીં યોજાશે, જેમાં સંગઠનની બે દાયકાની યાત્રા અને ભવિષ્યની દિશા પર ચર્ચા થશે.

હોલ નંબર-14માં બિઝનેસ જગતનો મેળાવડો

ભારત મંડપમનો હોલ નંબર-14 BRICS બિઝનેસ ફોરમનું મુખ્ય કેન્દ્ર બનશે. અહીં BRICS દેશોના ટોચના ઉદ્યોગપતિઓ, રોકાણકારો અને કોર્પોરેટ પ્રતિનિધિઓ વ્યાપાર તથા આર્થિક સહયોગના મુદ્દે ચર્ચા કરશે.

આ પરિસરમાં ઈન્ટરનેશનલ મીડિયા સેન્ટર પણ તૈયાર કરવામાં આવ્યું છે. સમિટના કવરેજ માટે વિશ્વભરમાંથી અંદાજે 1,200થી 1,400 પત્રકારો અહીં પહોંચશે.

ભારત મંડપમની ભવ્યતા માત્ર તેની વિશાળતા પૂરતી મર્યાદિત નથી. ભારતીય પરંપરા, સંસ્કૃતિ, ટેકનોલોજી અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સંગમ તેને BRICS 2026 જેવા વૈશ્વિક સંમેલન માટે ભારતના ભવ્ય યજમાન મંચ તરીકે નવી ઓળખ આપી રહ્યો છે.

Leave a Comment

Traffic Tail