કારનો કાચ તોડી રાજકોટના વેપારીના રૂ.1.10 લાખ ઉઠાવી ગયા

હળવદના આંબેડકર શોપિંગ સેન્ટર પાસે તસ્કરનો હાથફેરો : ગણતરીની મિનિટોમાં સીટ નીચે રાખેલું પર્સ ચોરી લીધું, CCTVમાં ઘટના કેદ

હળવદમાં રાજકોટના જંતુનાશક દવાના વેપારીની કારમાંથી રૂ.1.10 લાખ રોકડ ભરેલું પર્સ ચોરી થતાં ચકચાર મચી છે. ડો. બાબાસાહેબ આંબેડકર શોપિંગ સેન્ટર પાસે પાર્ક કરેલી કારનો કાચ તોડી તસ્કરે ગણતરીની મિનિટોમાં ચોરીને અંજામ આપ્યો હતો. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

રાજકોટના રહેવાસી ભરતસિંહ ચૌહાણ જંતુનાશક દવાના વેપાર સાથે સંકળાયેલા છે. તેઓ દવાના ઓર્ડર લેવા માટે અવારનવાર હળવદ આવતા હોય છે. ગુરુવારે સવારે આશરે 11:30 વાગ્યે તેઓ હળવદ આવ્યા હતા અને દવાના વેપારીઓ પાસેથી ઓર્ડર લેવા માટે નીકળ્યા હતા.

આ દરમિયાન તેમણે પોતાની કાર ડો. બાબાસાહેબ આંબેડકર શોપિંગ સેન્ટર પાસે પાર્ક કરી હતી. ત્યારબાદ તેઓ નજીકની દુકાનમાં બેઠા હતા. વેપારી દુકાનમાં ગયા બાદ તસ્કરે તક ઝડપી કારની ડ્રાઇવર સાઇડનો કાચ તોડી નાખ્યો હતો.

તસ્કરે કારની સીટ નીચેના ભાગમાં રાખેલું પર્સ ચોરી લીધું હતું. વેપારીના જણાવ્યા મુજબ પર્સમાં રૂ.1.10 લાખ રોકડા હતા. તસ્કર પર્સ લઈને ફરાર થઈ ગયો હતો.

ચોરીની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં બનાવ સામે આવ્યો છે. ઘટનાની જાણ થતાં ભરતસિંહ ચૌહાણે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે ફરિયાદ લેવાની કાર્યવાહી સાથે તસ્કરની ઓળખ કરી તેને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.

Leave a Comment

Traffic Tail