ગાંધીધામ: ગાંધીધામ નજીક આવેલા શિણાઈ તળાવમાં ન્હાવા ગયેલા 22 વર્ષીય યુવકના પાણીમાં ડૂબી જતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને 108 ઇમરજન્સી સેવાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
મળતી માહિતી મુજબ, ચાર મિત્રો શિણાઈ તળાવ ખાતે ન્હાવા તેમજ ફોટોશૂટ કરવા માટે ગયા હતા. આ દરમિયાન શંકર પરમાર નામનો યુવક અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ડૂબી ગયો હતો.
યુવકને બચાવવા માટે તેના મિત્રોએ પ્રયાસો કર્યા, પરંતુ સફળતા મળી ન હતી. ત્યારબાદ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઘટનાસ્થળે પહોંચેલી બચાવ ટીમોએ યુવકની શોધખોળ માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું છે. તળાવમાં સતત સર્ચ કામગીરી ચાલી રહી છે અને યુવકને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પોલીસે સમગ્ર ઘટનાની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને તળાવો અને ઊંડા જળાશયોમાં પૂરતી સાવચેતી રાખવાની પણ અપીલ કરવામાં આવી છે.









