યુરોપના અનેક દેશો હાલમાં ભીષણ હીટવેવની ઝપેટમાં છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર, 21 જૂનથી શરૂ થયેલી આ જીવલેણ ગરમીના કારણે સમગ્ર યુરોપમાં અત્યાર સુધીમાં 1,300થી વધુ લોકોનાં મોત નોંધાયા છે. ગરમીનો પ્રકોપ સતત પૂર્વ યુરોપ તરફ વધી રહ્યો હોવાથી કરોડો લોકો અસહ્ય તાપમાનનો સામનો કરી રહ્યા છે.
ભારે ગરમીના કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓનું ડામર ઓગળવાની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે રેલવે ટ્રેક પર અસર થતાં અનેક સ્થળોએ ટ્રેનોની અવરજવર પણ પ્રભાવિત થઈ છે. આરોગ્ય સેવાઓ પર ભારે દબાણ સર્જાતા અનેક દેશોમાં ઇમરજન્સી સેવાઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે.
સૌથી ગંભીર સ્થિતિ ફ્રાન્સમાં જોવા મળી રહી છે. ફ્રાન્સના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, 24 જૂનથી અત્યાર સુધીમાં જ ગરમી સંબંધિત કારણોસર 1,000થી વધુ લોકોનાં મોત થયા છે. મૃતકોમાં 85 ટકાથી વધુ લોકો 65 વર્ષથી વધુ ઉંમરના હોવાનું સામે આવ્યું છે.
ભીષણ ગરમીને કારણે ફ્રાન્સમાં મેડિકલ ઇમરજન્સી કોલ્સમાં અંદાજે 80 ટકાનો વધારો નોંધાયો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અનેક જાહેર કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે અને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.
પેરિસનું પ્રખ્યાત એફિલ ટાવર, લૂવર મ્યુઝિયમ સહિતના અનેક પ્રવાસન સ્થળોએ મુલાકાતના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જ્યારે કેટલાક કાર્યક્રમોને સમય પહેલાં જ બંધ કરવાની ફરજ પડી છે. હવામાન નિષ્ણાતોએ આગામી દિવસોમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.









