દ્વારકા નજીક વાયર ચોરીનો પર્દાફાશ: ખાનગી કંપનીમાંથી ચોરાયેલો માલ જપ્ત, 7 આરોપીઓ ઝડપાયા

દેવભૂમિ દ્વારકા: જિલ્લા એલસીબી પોલીસે દ્વારકા નજીક કુરંગા વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીમાં થયેલી એલ્યુમિનિયમ અને કોપર વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી સાત આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી ચોરીનો માલ, રોકડ, વાહન સહિત કુલ રૂ. 9.51 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

માહિતી મુજબ, આર.એસ.પી.એલ. (ઘડી) કંપનીમાંથી લાખો રૂપિયાના એલ્યુમિનિયમ અને કોપર વાયરની ચોરી અંગે ફરિયાદ નોંધાયા બાદ એલસીબીએ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. ખંભાળિયા-પોરબંદર રોડ પરથી કેરી પીકઅપમાં ચોરીનો માલ લઈ જતા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પૂછપરછ દરમિયાન આરોપીઓએ કંપનીમાંથી વાયર ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે તેમની પાસેથી કોપર અને એલ્યુમિનિયમ વાયર, રૂ. 4.72 લાખની રોકડ, મારુતિ કેરી પીકઅપ અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા સાધનો જપ્ત કર્યા છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા કેટલાક આરોપીઓ સામે અગાઉથી ચોરી અને અન્ય ગુનાઓ નોંધાયેલા છે. સમગ્ર મામલે ખંભાળિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Comment

Traffic Tail