અમદાવાદ: હવામાન વિભાગે આ વર્ષે નૈઋત્ય ચોમાસું સામાન્ય કરતાં ઓછું એટલે કે આશરે 90 ટકા રહેવાની આગાહી કરી હતી. જોકે જુલાઈ મહિનામાં મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થઈ રહેલા અતિભારે વરસાદે સૌનું ધ્યાન ખેંચ્યું છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હાલની સ્થાનિક હવામાન પ્રણાલીઓ (Local Weather Systems) અલ નીનોની અસર કરતાં વધુ પ્રબળ બની હોવાથી આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, અલ નીનો સમગ્ર દેશના ચોમાસાને સંપૂર્ણપણે નિયંત્રિત કરી શકતું નથી. તે માત્ર ચોમાસાને નબળું પાડવાની અસર કરે છે. પરંતુ જ્યારે સ્થાનિક હવામાન પ્રણાલીઓ મજબૂત બને છે ત્યારે તે અલ નીનોની અસરને દબાવી દે છે અને હાલ મહારાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં આવું જ જોવા મળી રહ્યું છે.
હાલ દક્ષિણ ગુજરાતથી કર્ણાટકના દરિયાકાંઠા સુધી અરબી સમુદ્રમાં ઓફશોર ટ્રફ સક્રિય છે. આ પ્રણાલી અરબી સમુદ્રમાંથી ભારે ભેજયુક્ત અને ગરમ પવનોને ખેંચીને કોંકણ, મુંબઈ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પહોંચાડે છે. પરિણામે સતત ભારે વરસાદ વરસી રહ્યો છે.
બીજી તરફ બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર સિસ્ટમ પણ મજબૂત બન્યું છે. આ સિસ્ટમ મધ્ય ભારત તરફ આગળ વધીને પશ્ચિમ ભારત તરફ મોટા પ્રમાણમાં ભેજ પહોંચાડે છે. જેના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદી પ્રવૃત્તિ વધુ તીવ્ર બની છે.
હવામાન નિષ્ણાતો આ સ્થિતિને “ડબલ મોઈશ્ચર એટેક” તરીકે વર્ણવે છે. એક તરફ અરબી સમુદ્રમાંથી અને બીજી તરફ બંગાળની ખાડીમાંથી ભેજ મળતા વાદળોને સતત ઊર્જા મળી રહી છે, જેના કારણે સામાન્ય કરતાં અનેકગણો વધુ વરસાદ નોંધાઈ રહ્યો છે.
નિષ્ણાતોના મતે, હાલ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની સ્થાનિક હવામાન પ્રણાલીઓ અલ નીનો પર ભારે પડી રહી છે. જોકે આ સ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેવાની શક્યતા ઓછી છે.
તેમના જણાવ્યા અનુસાર, ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન આ સ્થાનિક પ્રણાલીઓ નબળી પડી શકે છે. ત્યારબાદ અલ નીનોની અસર ફરી વધવાની સંભાવના છે, જેના કારણે મોન્સૂન બ્રેક જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આવી સ્થિતિમાં મધ્ય ભારત અને ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદમાં લાંબો વિરામ અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.









