કાજુકતરી કાંડનું પ્રાગટ્ય ક્યાંથી થયું? ભૂલ કોની? સો મણનો સવાલ

રાજકોટ મહાનગરપાલિકાનું કાજુકતરી પ્રકરણ હવે વિવાદનું કેન્દ્ર બન્યું છે. આ મામલાના પડઘા ગાંધીનગર સુધી પહોંચ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે અને સમગ્ર ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે.

સૌથી મોટો પ્રશ્ન એ છે કે આખરે આ દરખાસ્ત મીડિયામાં કેવી રીતે પહોંચી? દરખાસ્તમાં જો માત્ર “સ્ટાફ ભોજન”નો ઉલ્લેખ કરવામાં આવ્યો હોત, તો શું સમગ્ર વિવાદ ટાળી શકાય તેમ હતો? જો દરખાસ્તમાં કોઈ પ્રકારની ક્ષતિ હતી, તો તેને સમયસર સુધારવાની અથવા સંબંધિત પદાધિકારીઓનું ધ્યાન દોરવાની જવાબદારી કોની હતી?

આ મામલે ચર્ચા એ પણ છે કે દરખાસ્ત રજૂ થયા બાદ તેમાં જરૂરી સુધારા કેમ કરવામાં આવ્યા નહીં? તેમજ સામાન્ય રીતે આંતરિક દસ્તાવેજ ગણાતી દરખાસ્ત મીડિયા સુધી કેવી રીતે પહોંચી, તે અંગે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે.

રાજકોટ મહાનગરપાલિકામાં અગાઉ પણ અનેક દરખાસ્તો પસાર થઈ હોવા છતાં તે જાહેર ચર્ચાનો વિષય બની નહોતી. ત્યારે આ જ દરખાસ્ત બહાર કેવી રીતે આવી અને તેની માહિતી કોના માધ્યમથી જાહેર થઈ, તે તપાસનો વિષય બની શકે છે.

હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ જવાબદારી, પ્રક્રિયામાં થયેલી ખામીઓ અને સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે.

Leave a Comment

Traffic Tail