રાજકોટ: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ સતત ધમાકેદાર બેટિંગ ચાલુ રાખતાં અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને જુનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં બે દિવસમાં અંદાજે 40 ઇંચ વરસાદ નોંધાતા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
માંગરોળમાં માત્ર છેલ્લા 24 કલાકમાં જ આશરે 28 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે લોરી નદી ગાંડીતૂર બની હતી અને બંદર વિસ્તાર સહિત આરેણા, ખોડાદા, કુકસવાડા, શેરીયાજ, શાહપુર, વિસણવેલ તેમજ ચોરવાડના વાડી વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. અનેક મકાનોમાં પાણી ઘૂસી જતાં સ્થાનિકોને સ્થળાંતર કરવું પડ્યું હતું.
ભારે વરસાદને પગલે સોમનાથ-માંગરોળ-પોરબંદર નેશનલ હાઇવે પર વરસાદી પાણી ફરી વળતાં માર્ગ થોડા સમય માટે બંધ કરવો પડ્યો હતો. આજે સવારે પાણી ઓસરતાં વાહનવ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો હતો. અનેક સ્થળોએ વીજ થાંભલા ધરાશાયી થતાં ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો.
માંગરોળ ઉપરાંત મેંદરડા, માળીયા હાટીના અને કેશોદમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો. મેંદરડામાં સોસાયટી વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા હતા, જ્યારે માળીયા હાટીનામાં આશરે 15 ઇંચ વરસાદ પડતાં અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
કેશોદમાં અંદાજે 13 ઇંચ વરસાદ વરસતાં આંબાવાડી, માંગરોળ રોડ, રણછોડનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અંડરબ્રિજ, એરપોર્ટ રોડ અને રેલવે ટ્રેક પર પણ પાણી ફરી વળતાં વાહનવ્યવહારને અસર પહોંચી હતી. છેલ્લા ત્રણ દિવસમાં કેશોદમાં કુલ 26 ઇંચ વરસાદ નોંધાતા અનેક ગ્રામ્ય માર્ગો બંધ થયા અને કેટલાક ગામોનો સંપર્ક તૂટી ગયો હતો.
સોરઠના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. વંથલી, માણાવદર, ભેંસાણ અને જુનાગઢ શહેરમાં પણ સારો વરસાદ વરસ્યો છે. ખેડૂતો માટે વરસાદ આશીર્વાદરૂપ બન્યો છે, જોકે સતત વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં હવે વરાપ નીકળે તેની રાહ જોવાઈ રહી છે.
રાજ્યભરમાં પણ ચોમાસું જોરમાં છે. છેલ્લા 24 કલાક દરમિયાન 33 જિલ્લાના 225 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, સુરત અને વલસાડ જિલ્લામાં અનેક સ્થળોએ 8થી 14 ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો, જ્યારે મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ વ્યાપક વરસાદ વરસ્યો છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 13.27 ટકા સુધી પહોંચ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ ભારત પર સક્રિય વિવિધ હવામાન પ્રણાલીઓના કારણે આગામી દિવસોમાં પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદનો દોર યથાવત રહેવાની શક્યતા છે.









