દિવાળી-છઠ્ઠમાં ટિકિટની ભારે માંગથી વેબસાઈટ પર વધ્યું ભારણ: ડિસેમ્બરથી બુકિંગ વધુ ઝડપી બનવાની શક્યતા
નવી દિલ્હી: દિવાળી અને છઠ્ઠ પર્વને લઈને ટ્રેન ટિકિટની માંગમાં વધારો થતાં IRCTCની વેબસાઈટ પર મુસાફરોની મુશ્કેલી વધી છે. ટિકિટ બુકિંગ સમયે પેજ હેંગ થવું, પેમેન્ટ ફેલ થવું અને અચાનક એક્ઝિટ થઈ જવા જેવી સમસ્યાઓના કારણે મુસાફરોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
હાલ પીક અવર્સમાં વેબસાઈટ પર ટ્રાફિકનું પ્રમાણ ઘણું વધી જાય છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતી ટ્રેનોમાં છઠ્ઠ પર્વ માટે બુકિંગ શરૂ થતાં જ સીટો ઝડપથી ભરાઈ રહી છે. આ વધેલા લોડની અસર IRCTCની બુકિંગ સિસ્ટમ પર પણ પડી રહી છે.
નવેમ્બર સુધી કનેક્ટિવિટીનું કામ પૂર્ણ કરવાની તૈયારી
IRCTCની નવી વેબસાઈટના બીટા વર્ઝનમાં સામે આવી રહેલી ટેકનિકલ સમસ્યાઓને દૂર કરવા માટે બેકએન્ડ કનેક્ટિવિટી મજબૂત કરવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી નવેમ્બર સુધીમાં પૂર્ણ થવાની આશા છે.
ડિસેમ્બરથી વેબસાઈટની લોડ સંભાળવાની ક્ષમતા વધારવામાં આવશે. નવી વ્યવસ્થા લાગુ થયા બાદ સીટ ઉપલબ્ધ હોય તો ટિકિટ બુકિંગની પ્રક્રિયા વધુ ઝડપી બનશે અને ગણતરીની સેકન્ડમાં બુકિંગ થઈ શકશે. સીટ ઉપલબ્ધ ન હોય તો સીધો ‘Not Available’નો સંદેશ દર્શાવાશે.
એક દિવસમાં 20 લાખથી વધુ ટિકિટ બુક
હાલ IRCTCની વેબસાઈટ પર દરરોજ દોઢ કરોડથી પોણા બે કરોડથી વધુ લોગિન થઈ રહ્યા છે. તહેવારો દરમિયાન મુસાફરોની સંખ્યા વધતાં ટ્રાફિક પણ વધી જાય છે. 7 સપ્ટેમ્બરે એક જ દિવસમાં 20 લાખથી વધુ ટિકિટ બુક થઈ હતી.
રેલવે દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખીને કેટલીક સ્પેશ્યલ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં વધુ ફેસ્ટિવ સ્પેશ્યલ ટ્રેનો જાહેર થવાની શક્યતા છે. જો આવું થાય તો મુસાફરોને વધુ વિકલ્પો મળશે અને IRCTCની વેબસાઈટ પરનું ભારણ પણ થોડું ઘટી શકે છે.









