ખમીસ મુશૈત એરબેઝ પર મિસાઈલ હુમલામાં 13 ઘાયલ: તાઈફ, અબહા, જાજાન સહિતના વિસ્તારોમાં નાગરિકોને સતર્ક રહેવા સૂચના
રિયાધઃ ઈરાન સમર્થિત હુથી સંગઠનના હુમલાના ખતરાને પગલે સાઉદી અરેબિયામાં સુરક્ષા એલર્ટ વધારી દેવામાં આવ્યું છે. અબહા સહિત છ શહેરોમાં સંભવિત ડ્રોન અને મિસાઈલ હુમલાને ધ્યાનમાં રાખીને નાગરિકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
સાઉદી નાગરિક સુરક્ષા વિભાગે તાઈફ, જોશ, અબહા, અલ-ઉલા, જાજાન અને યાનબૂમાં લોકોને સતત એલર્ટ રહેવા જણાવ્યું છે. સોમવારે થયેલા હુથી હુમલામાં 13 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.
કિંગ ખાલિદ એરબેઝને નિશાન બનાવ્યું
હુથી સંગઠને દક્ષિણ સાઉદી અરેબિયાના ખમીસ મુશૈત ખાતે આવેલા કિંગ ખાલિદ એરબેઝ પર આશરે એક ડઝન મિસાઈલો છોડ્યાનો અહેવાલ છે. હુમલા દરમિયાન કેટલીક મિસાઈલો નાગરિક વિસ્તારમાં પડતાં 13 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
હુમલામાં એરબેઝના રડાર, હેંગર, રનવે તેમજ ગોળા-બારૂદના મથકોને નુકસાન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
રેડ-સી વિસ્તારમાં ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ નિશાન પર
હુથી હુમલાની અસર સાઉદી અરેબિયાની ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધી પહોંચી છે. રેડ-સી વિસ્તારમાંથી પસાર થતી પાઈપલાઈનના દરિયાઈ સ્ટેશન પર હુમલો થતાં ક્રૂડ ઓઈલનું પરિવહન અટકાવવાની ફરજ પડી હોવાનું જણાવાયું છે.
રેડ-સી વિસ્તારમાં હુથી સંગઠનની વધતી સક્રિયતાને કારણે સાઉદી અરેબિયા માટે સુરક્ષા પડકાર વધુ ગંભીર બન્યો છે.









