રાજકોટ: ગેરકાયદે હથિયારોના મોટા રેકેટનો પર્દાફાશ કર્યા બાદ રાજકોટ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ (PCB)ની તપાસ વધુ ઊંડાણમાં પહોંચી છે. સમગ્ર કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ સાથે પોલીસે વધુ ત્રણ દેશી પિસ્તોલ અને બે જીવતા કારતૂસ કબજે કર્યા છે. અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 8 આરોપીઓની ધરપકડ કરી 21 ગેરકાયદે હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે.
અષાઢી બીજ અને ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ધ્યાનમાં રાખીને શહેરમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ પીસીબી દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું.
પીસીબીના પીઆઈ એમ.આર. ગોંડલિયાની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે મધ્યપ્રદેશના શકીલ સાદિક મન્સુરીને વાંકાનેર ચોકડી નજીકથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી પાંચ દેશી બનાવટના હથિયારો અને 20 જીવતા કારતૂસ મળી આવ્યા હતા.
આરોપીની પૂછપરછમાં ચોટીલા અને બોધરાવદર સુધી ફેલાયેલા ગેરકાયદે હથિયાર સપ્લાય નેટવર્કનો પર્દાફાશ થયો હતો. ત્યારબાદ પોલીસે અનેક સ્થળોએ દરોડા પાડી વધુ આરોપીઓને ઝડપી કુલ 16 હથિયારો, 30 જીવતા કારતૂસ અને મોબાઇલ ફોન સહિત રૂ.2.03 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
રિમાન્ડ દરમિયાન થયેલી પૂછપરછમાં આરોપી પ્રદીપ કરપડાએ વડવાજડી વિસ્તારમાં રહેતા સંદીપસિંહ પ્રભાતસિંહ પરમારને બે હથિયારો સપ્લાય કર્યા હોવાની કબૂલાત આપતા તેની પણ ધરપકડ કરીને બે પિસ્તોલ જપ્ત કરવામાં આવ્યા હતા.
આગળની તપાસમાં શકીલ મન્સુરીએ જયપાલ રાજેશ ડેડાણીયાને બે પિસ્તોલ આપ્યાનું સ્વીકારતા પોલીસે તેની ધરપકડ કરી બંને હથિયારો કબજે કર્યા હતા. જ્યારે પ્રદીપ કરપડાની કબૂલાતના આધારે આરીફ ગફાર પઠાણને પણ એક દેશી પિસ્તોલ અને બે જીવતા કારતૂસ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરીફ પઠાણ જમીન-મકાનની લે-વેચનો ધંધો કરે છે. બંને આરોપીઓએ અંદાજે રૂ.50-50 હજાર ચૂકવીને રોફ જમાવવા અને મોજશોખ માટે હથિયારો ખરીદ્યાની કબૂલાત આપી હોવાનું પોલીસનું કહેવું છે.
પીસીબીની પ્રાથમિક તપાસ મુજબ ગેરકાયદે હથિયારોની આ સપ્લાય ચેઇનના વધુ તાર પણ બહાર આવી શકે છે. પોલીસે સમગ્ર નેટવર્ક, હથિયારોના મૂળ સ્ત્રોત અને અન્ય સંડોવાયેલા આરોપીઓ સુધી પહોંચવા વધુ તપાસ શરૂ કરી છે.









