જર્મનીમાં ₹78 લાખનું પેકેજ છતાં ‘રિયાલિટી ચેક’, વિદેશ જતાં પહેલાં બે વાર વિચારવાની સલાહ

વિદેશમાં ઊંચા પગારની નોકરીનું સપનું જોતા લોકો માટે જર્મનીમાં છ વર્ષનો અનુભવ ધરાવતા તનુજની સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચામાં આવી છે. ‘X’ પરની પોસ્ટમાં તેમણે જર્મનીમાં મળતા ઊંચા પેકેજ સામે ટેક્સ અને જીવનનિર્વાહના ખર્ચનો ઉલ્લેખ કરીને વિદેશ જવાની ઈચ્છા ધરાવતા લોકોને ‘રિયાલિટી ચેક’ આપ્યો છે.

તનુજના જણાવ્યા મુજબ, જર્મનીમાં તેમને વાર્ષિક 70 હજાર યુરો એટલે કે આશરે ₹78 લાખનું પેકેજ મળે છે. જોકે, તેમના કહેવા પ્રમાણે આ રકમનો મોટો હિસ્સો ટેક્સમાં જતો રહે છે. આ ઉપરાંત મ્યુનિક અને બર્લિન જેવા શહેરોમાં આશરે 1,500 યુરો સુધીનું માસિક ભાડું ચૂકવવું પડી શકે છે.

ભાડા ઉપરાંત વીજળી, ઈન્ટરનેટ, ઈન્સ્યોરન્સ, ખાવા-પીવા સહિતના દૈનિક ખર્ચ પણ ઊંચા હોવાથી બચત પર અસર પડે છે. તનુજે Purchasing Power Parity એટલે કે PPPના આધારે દાવો કર્યો છે કે જર્મનીનું ₹77-78 લાખનું પેકેજ ભારતમાં આશરે ₹32થી ₹35 લાખની આવક જેટલી ખરીદશક્તિ આપે છે.

તેમણે ભારતીય નોકરી છોડીને જર્મની જવા ઈચ્છતા લોકોને માત્ર પેકેજ જોઈને નિર્ણય ન લેવાની સલાહ આપી છે. જોકે, સોશિયલ મીડિયા પર કેટલાક લોકોનું માનવું છે કે વિદેશ જવાનો નિર્ણય માત્ર પૈસા માટે નહીં, પરંતુ જીવનશૈલી, સુરક્ષા અને કારકિર્દીની તકો જેવા અન્ય કારણોસર પણ લેવામાં આવે છે.

તનુજના જણાવ્યા મુજબ જર્મનીમાં લાંબા ગાળે રહેવા અને કામ કરવા માટે જર્મન ભાષાનું જ્ઞાન પણ મહત્વનું છે. માત્ર અંગ્રેજી પર નિર્ભર રહેવું મુશ્કેલ બની શકે છે. તેમની આ પોસ્ટ બાદ વિદેશમાં નોકરીના આકર્ષક પેકેજ સામે વાસ્તવિક જીવનખર્ચ અને બચત અંગે ચર્ચા શરૂ થઈ છે.

Leave a Comment

Traffic Tail