જય રણછોડના ગગનભેદી જયઘોષ સાથે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રાનું ભવ્ય પ્રસ્થાન

અમદાવાદ: અષાઢી બીજના પાવન પર્વે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા ભક્તિ અને શ્રદ્ધાના અભૂતપૂર્વ માહોલ વચ્ચે ભવ્ય રીતે નીકળી હતી. જય જગન્નાથ અને જય રણછોડના ગગનભેદી નાદ વચ્ચે લાખો ભાવિકોએ ભગવાનના અલૌકિક દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર શહેર ભક્તિમય રંગમાં રંગાઈ ગયું હતું.

વહેલી સવારે જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજી મંદિરે મંગળા આરતી સાથે ધાર્મિક વિધિઓનો પ્રારંભ થયો હતો. આ પવિત્ર પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. વૈદિક વિધિઓ પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીને તેમના ભવ્ય રથોમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.

પરંપરાગત પહિંદવિધિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સંપન્ન થયા બાદ રથયાત્રાનું વિધિવત્ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથજી ‘નંદીઘોષ’, બલભદ્રજી ‘તાલધ્વજ’ અને સુભદ્રાજી ‘દર્પદલન’ રથમાં બિરાજમાન રહ્યા હતા.

રથયાત્રા જમાલપુર મંદિરથી શરૂ થઈ કોર્પોરેશન ઓફિસ, ઢાળની પોળ, રાયપુર ચકલા, ખાડિયા, કાલુપુર, સરસપુર, પ્રેમ દરવાજા, દિલ્હી ચકલા, શાહપુર, ઘી કાંટા અને માણેકચોક સહિતના પરંપરાગત માર્ગ પરથી પસાર થઈ સાંજે નિજ મંદિરે પરત ફરશે.

સમગ્ર યાત્રામાર્ગ પર લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. અનેક સ્થળોએ ભગવાન પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી, જ્યારે ભજન-કીર્તન અને જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ વર્ષની રથયાત્રામાં 18 શણગારેલા ગજરાજ, 101 થીમ આધારિત ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડવાજા અને દેશભરમાંથી આવેલા અંદાજે 2,500 સાધુ-સંતો જોડાયા હતા. રથ ખેંચવાની સેવામાં 1,000થી વધુ ખલાસીઓ જોડાયા હતા. ભાવિકો માટે 45 હજાર કિલો મગ, 2 લાખ ઉપેરણા તેમજ ફળપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર રૂટ પર 100 ડ્રોન, વોચ ટાવર, ધાબા પોઈન્ટ અને આધુનિક સર્વેલન્સ સિસ્ટમ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી હતી. સુરક્ષા વ્યવસ્થામાં 10 આઈજી-ડીઆઈજી, 42 ડીસીપી, 88 એસીપી, 800 પોલીસ ઇન્સ્પેક્ટર સહિત અંદાજે 30 હજાર પોલીસ અને સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.

Leave a Comment

Traffic Tail