દરેડમાં મકાનની ઓસરીમાંથી દારૂની 10 પેટી મળી, 492 બોટલ-ચપટા જપ્ત

જામનગર : દરેડ ગામમાં પંચકોશી બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે મકાનમાં દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસની કાર્યવાહી દરમિયાન મકાનમાં કોઈ વ્યક્તિ હાજર મળી ન હતી, જેથી આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે.

પોલીસને બાતમી મળી હતી કે દરેડ ગામમાં 100 ખોલીની પાછળ સરકારી શાળાની બાજુમાં આવેલા મકાનમાં રણજીતસિંહ બહાદુરસિંહ જાડેજા દારૂનો જથ્થો સંતાડી તેનું વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસે પંચોની હાજરીમાં દરોડો પાડતાં મકાનની ઓસરીમાંથી ‘8 PM Special Rare Whisky’ની 10 પેટીઓ મળી આવી હતી.

પેટીઓમાંથી રાજસ્થાનમાં વેચાણ માટેની 180 મિલીની 480 શીલબંધ પ્લાસ્ટિક ચપટીઓ મળી આવી હતી, જેની કિંમત રૂ.60,000 ગણવામાં આવી છે. ઉપરાંત 180 મિલીની 12 શીલબંધ કાચની બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ.1,500 છે. પોલીસે કુલ 492 ચપટા-બોટલ સહિતનો દારૂનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ મામલે પોલીસે રણજીતસિંહ બહાદુરસિંહ જાડેજા સામે પ્રોહિબિશન એક્ટની કલમ 15(એ)(ઈ) અને 116(બી) મુજબ ગુનો નોંધ્યો છે. દરોડા સમયે આરોપી હાજર ન હોવાથી હાલ તેની ધરપકડ બાકી છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસ અને શોધખોળ હાથ ધરી છે.

Leave a Comment

Traffic Tail