કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટેની CGHS (Central Government Health Scheme) અંગેના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. નવા નિયમો હેઠળ કર્મચારીના રહેઠાણ અથવા પોસ્ટિંગના સ્થળને આધારે લાગુ પડતી ભૌગોલિક પાત્રતાની મર્યાદા દૂર કરવામાં આવી છે. આ નિર્ણયથી અગાઉ ભૌગોલિક શરતોના કારણે CGHSનો લાભ ન લઈ શકતા પાત્ર કર્મચારીઓને રાહત મળશે.
નવા નિયમ મુજબ પાત્ર કર્મચારી જરૂરી શરતો પૂર્ણ કરીને અને નિર્ધારિત યોગદાન ચૂકવીને CGHSનો વિકલ્પ પસંદ કરી શકશે. જોકે, એકવાર આ વિકલ્પ પસંદ કર્યા બાદ તેને બદલી શકાશે નહીં. કર્મચારીએ અંડરટેકિંગ આપવાનું રહેશે કે તે અથવા તેના પરિવારના સભ્યો CGHS તેમજ Central Services (Medical Attendance) Rules, 1944 હેઠળ એકસાથે બેવડા તબીબી લાભનો દાવો નહીં કરે.
બીજી તરફ, જે કર્મચારીઓ પહેલેથી જ CGHS કવરેજવાળા વિસ્તારમાં રહે છે અથવા ફરજ બજાવે છે, તેમના માટે CGHS કવરેજ ફરજિયાત રહેશે. તેઓ અન્ય તબીબી વ્યવસ્થાનો વિકલ્પ પસંદ કરી શકશે નહીં.
સરકારે ખોટી કે ભ્રામક માહિતી આપીને તબીબી લાભ મેળવવા સામે પણ કડક કાર્યવાહીનો નિર્દેશ આપ્યો છે. આવા કિસ્સામાં શિસ્તભંગની કાર્યવાહી ઉપરાંત ખોટી રીતે મેળવેલા લાભની રકમની વસૂલાત પણ થઈ શકે છે.
CGHSની શરૂઆત 1 જુલાઈ, 1954ના રોજ દિલ્હીમાં કરવામાં આવી હતી. હાલ આ યોજના હેઠળ દેશના અનેક શહેરોમાં વેલનેસ સેન્ટર્સ, પોલીક્લિનિક્સ અને એમ્પેનલ્ડ હોસ્પિટલો મારફતે કેન્દ્ર સરકારના વર્તમાન તથા નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પાત્ર પરિવારજનોને આરોગ્ય સેવાઓ આપવામાં આવે છે.









