રાજસ્થાનમાં કેટલાક એનર્જી ડ્રિંક્સ પર કાર્યવાહી, મહારાષ્ટ્રમાં સ્કૂલો નજીક વેચાણ પર નિયંત્રણની તૈયારી: ગુજરાતમાં પણ ચર્ચા તેજ

અમદાવાદ: દેશમાં એનર્જી ડ્રિંક્સના વધતા ઉપયોગ વચ્ચે રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ વચ્ચે ગુજરાતમાં પણ એનર્જી ડ્રિંક્સ પર નિયંત્રણ અથવા કડક નિયમો લાદવામાં આવશે કે કેમ તે અંગે ચર્ચાઓ તેજ બની છે. જોકે, રાજ્ય સરકાર દ્વારા હાલ કોઈ સત્તાવાર નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી.

યુવાનો અને બાળકોમાં રેડ બુલ, સ્ટિંગ, મોન્સ્ટર સહિતના એનર્જી ડ્રિંક્સનું વધતું સેવન આરોગ્ય નિષ્ણાતો માટે ચિંતાનો વિષય બન્યું છે. સોશિયલ મીડિયા અને આકર્ષક જાહેરાતોના કારણે આવા પીણાંનો ઉપયોગ સતત વધી રહ્યો હોવાનું માનવામાં આવે છે.

કાર્ડિયોલોજીસ્ટ ડૉ. જય સંઘવીએ જણાવ્યું હતું કે એનર્જી ડ્રિંક્સમાં રહેલું વધુ પ્રમાણનું કેફીન અને શુગર હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર અને શરીરના મેટાબોલિઝમ પર પ્રતિકૂળ અસર કરી શકે છે. ખાસ કરીને બાળકો, કિશોરો અને હૃદયના દર્દીઓએ આવા પીણાંનું સેવન મર્યાદિત રાખવું જોઈએ.

તાજેતરમાં FSSAI દ્વારા કેટલીક મોટી એનર્જી ડ્રિંક ઉત્પાદક કંપનીઓને નોટિસ પાઠવવામાં આવી હતી. નોટિસમાં પ્રોડક્ટ્સના માર્કેટિંગ અને જાહેરાતોમાં કરવામાં આવતા કેટલાક દાવાઓ અંગે સ્પષ્ટતા માંગવામાં આવી હોવાનું જાણવા મળે છે.

રાજસ્થાનમાં ફૂડ સેફ્ટી અને ડ્રગ કંટ્રોલ વિભાગે વિવિધ શહેરોમાં તપાસ અભિયાન હાથ ધરી મોટી સંખ્યામાં એનર્જી ડ્રિંક્સની બોટલો જપ્ત કરી હતી. રાજ્ય સરકારે કેટલીક એનર્જી ડ્રિંક્સના વેચાણ, માર્કેટિંગ અને સંગ્રહ સામે કાર્યવાહી હાથ ધરી હોવાનું અધિકૃત સૂત્રોએ જણાવ્યું છે.

બીજી તરફ, મહારાષ્ટ્ર સરકારે વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને સ્કૂલના 500 મીટરના વિસ્તારમાં Sting એનર્જી ડ્રિંકના વેચાણ પર નિયંત્રણ લાવવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ અંગે રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે.

ગુજરાતમાં એનર્જી ડ્રિંક્સ પર પ્રતિબંધ અંગે હાલ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે, અન્ય રાજ્યોમાં લેવામાં આવેલા પગલાં બાદ રાજ્યમાં પણ આ મુદ્દે ચર્ચાઓ શરૂ થઈ છે.

Leave a Comment

Traffic Tail