ચાલુ ચોમાસામાં બે વખત 3,100 MCFથી વધુ પાણી છોડાયું; હાલ 4,468 ક્યુસેકની આવક સામે જાવક ચાલુ
મોરબી: મોરબી અને માળિયા તાલુકાની જીવાદોરી ગણાતા મચ્છુ-2 ડેમમાં ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારમાં થયેલા વરસાદના કારણે પાણીની આવક હજુ પણ ચાલુ છે. હાલ ડેમના બે દરવાજા ત્રણ ફૂટ સુધી ખુલ્લા રાખીને વધારાનું પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
સિંચાઈ વિભાગના જણાવ્યા મુજબ ડેમમાં હાલમાં 4,468 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને એટલી જ માત્રામાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણી મચ્છુ-3 ડેમમાં પહોંચતાં તે પણ ભરાઈ ગયો છે અને ત્યાંથી પણ નિયંત્રિત રીતે પાણીની જાવક કરવામાં આવી રહી છે.
ચાલુ વરસાદી સિઝનમાં મચ્છુ-2 ડેમના દરવાજા બે વખત ખોલવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3,100 MCFથી વધુ પાણી નદીમાં છોડવામાં આવ્યું છે, જે ડેમની કુલ સંગ્રહ ક્ષમતાની બરાબર હોવાનું માનવામાં આવે છે.
ગત 1 ઓગસ્ટે ભારે વરસાદ બાદ ડેમના 16 દરવાજા ખોલીને એક લાખથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. હાલ વરસાદ ઘટ્યો હોવા છતાં ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત હોવાથી ડેમમાંથી નિયંત્રિત જાવક ચાલુ રાખવામાં આવી છે.
નદીમાં પાણી છોડવાના કારણે કોઈ મોટી જાનહાનિ કે નુકસાન નોંધાયું નથી. જોકે નદીકાંઠાના કેટલાક ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યાના અહેવાલ સામે આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ડેમના પુનઃનિર્માણ બાદ વર્ષ 2017માં એકમાત્ર વખત તમામ 38 દરવાજા એકસાથે ખોલવામાં આવ્યા હતા.









