AI આધારિત પોલીસિંગને મળશે વેગ; ડાયલ-112, VISHWAS અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે વધારાનું માનવબળ મંજૂર
અમદાવાદ: રાજ્ય સરકારે ગુજરાત પોલીસને વધુ આધુનિક, ટેક્નોલોજી આધારિત અને ઝડપી પ્રતિસાદ આપતી એજન્સી બનાવવા માટે વ્યાપક પોલીસ સુદૃઢીકરણ યોજના અમલમાં મૂકી છે. માનવબળમાં મોટા પાયે વધારો, ટ્રાફિક વ્યવસ્થાપન, સાયબર ક્રાઇમ, નાર્કોટિક્સ નિયંત્રણ અને કટોકટી પ્રતિસાદ માટે વિશેષ ટીમોની રચના સહિતના અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.
ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રાજ્ય સરકારે રજૂ કરેલી વિગતો મુજબ પોલીસ દળની કાર્યક્ષમતા વધારવા માટે રાજ્યભરમાં ભરતી અને માળખાકીય વિસ્તરણની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે. પ્રથમ તબક્કામાં 10,861 કોન્સ્ટેબલ અને 472 પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની પસંદગી પૂર્ણ થઈ છે, જ્યારે બીજા તબક્કામાં 13,591 નવી જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે.
ટ્રાફિક વ્યવસ્થાપન મજબૂત બનાવવા રાજ્યના 38 જિલ્લા અને શહેરોમાં 3,261 ટ્રાફિક બ્રિગેડ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદમાં જ વધારાના 650 ટ્રાફિક જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસિંગને સ્માર્ટ બનાવવા SVNIT, સુરત સાથે મળીને AI આધારિત ટ્રાફિક ઇન્ટેલિજન્સ અને રોડ સેફ્ટી સિસ્ટમ પણ વિકસાવવામાં આવશે.
રાજ્ય સરકારે વધારાની 2,109 કોન્સ્ટેબલ જગ્યાઓને મંજૂરી આપી છે. તેમાંના 2,000 જવાનો ડાયલ-112 જનરક્ષક પ્રોજેક્ટ માટે કાર્યરત રહેશે, જ્યારે VISHWAS પ્રોજેક્ટ હેઠળ AI આધારિત સર્વેલન્સ, NETRAM અને TRINETRA કમાન્ડ સેન્ટરને મજબૂત કરવા વિશેષ માનવબળ ફાળવવામાં આવશે.
આ ઉપરાંત ગંભીર ગુનાઓની તપાસને વધુ અસરકારક બનાવવા માટે પ્રોસિક્યુશન એન્ડ ક્રાઇમ સેલને વધારાનું માનવબળ આપવામાં આવ્યું છે. આતંકવાદ, સંગઠિત ગુના, માનવ તસ્કરી, નાર્કોટિક્સ અને સાયબર ક્રાઇમ સામે કાર્યવાહી માટે વિશેષ ટીમો કાર્યરત થશે. રાજ્ય સરકારના મતે આ પહેલથી ગુજરાત પોલીસની કામગીરી વધુ ઝડપી, ટેક્નોલોજી આધારિત અને પરિણામલક્ષી બનશે.









