પાંચ વર્ષ જૂનો વીડિયો મવડી ફાયર સ્ટેશન વિસ્તારની વોર્ડ ઓફિસનો હોવાનો દાવો; દારૂ અને મહિલાના વીડિયો પણ અલગ-અલગ હોવાનું સામે આવ્યું
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ ઓફિસના નામે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને લઈને ચોંકાવનારી હકીકત સામે આવી છે. વાયરલ વીડિયો સામા કાંઠા વિસ્તારની વોર્ડ ઓફિસનો હોવાનો દાવો ખોટો હોવાનું અત્યંત આધારભૂત સૂત્રો જણાવી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વાયરલ થયેલો વીડિયો લગભગ પાંચ વર્ષ જૂનો છે અને તે સામા કાંઠાની નહીં પરંતુ મવડી ફાયર સ્ટેશન વિસ્તારની વોર્ડ ઓફિસનો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત, વીડિયોમાં દેખાતી દારૂની બોટલો અને મહિલાને લગતા દૃશ્યો પણ એક જ વોર્ડ ઓફિસના નથી. અલગ-અલગ સ્થળના વીડિયો એકત્ર કરીને તેને એક જ વીડિયો તરીકે ગોઠવી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
અલગ-અલગ વીડિયો જોડીને ભ્રામક રીતે વાયરલ?
અત્યંત આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ, દારૂનો વીડિયો અલગ વોર્ડનો છે, જ્યારે મહિલાને લગતો વીડિયો અન્ય વોર્ડનો હોવાનું સામે આવ્યું છે. આમ, બંને અલગ ઘટનાઓના વીડિયોને એકસાથે જોડીને રાજકોટ કોર્પોરેશનની સામા કાંઠા વિસ્તારની વોર્ડ ઓફિસ સાથે સાંકળવામાં આવ્યા હોવાની ચર્ચા છે.
આ મામલે હવે વીડિયોનું મૂળ સ્થળ, તારીખ અને તેને સોશિયલ મીડિયામાં સૌપ્રથમ કોણે વાયરલ કર્યો તેની તપાસ જરૂરી બની છે. અલગ-અલગ વીડિયોને એક સાથે જોડીને ભ્રામક રીતે રજૂ કરવામાં આવ્યા હોય તો સમગ્ર મામલાની હકીકત તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.
હાલ વાયરલ વીડિયોને લઈને અનેક સવાલો ઊભા થયા છે. સાચી હકીકત સામે લાવવા માટે વીડિયોનું ફોરેન્સિક અને તથ્ય આધારિત વેરિફિકેશન જરૂરી બન્યું છે.









