પાંચ વર્ષ જૂનો વીડિયો હોવાની ચર્ચા; વીડિયો અંગે અનેક સવાલો ઊભા, સમગ્ર મામલે તપાસની માંગ
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ ઓફિસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. જોકે, હવે આ વીડિયોને લઈને અલગ જ હકીકત સામે આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, વાયરલ થયેલો વીડિયો લગભગ પાંચ વર્ષ જૂનો છે. વીડિયોમાં દેખાતી મહિલા અને અધિકારી વચ્ચે કોઈ અયોગ્ય સંબંધ હોવાની ચર્ચા થઈ રહી હતી, પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે વીડિયો સાથે જોડાયેલી મહિલા સંબંધિત અધિકારીની બહેન હોવાનું જાણવા મળ્યું છે. મહિલા કોઈ કારણસર દુઃખી હોવાથી અધિકારીએ તેને સાંત્વના આપી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
આ ઉપરાંત, વોર્ડ ઓફિસમાં કબાટ ખોલીને દારૂની બોટલો ગોઠવીને વીડિયો બનાવવામાં આવ્યો હોવાની પણ ચર્ચા છે. જોકે, આ દાવાની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી.
વાયરલ વીડિયોને લઈને હવે અનેક સવાલો ઊભા થયા છે. જો વીડિયો ખરેખર પાંચ વર્ષ જૂનો હોય તો તેને હાલની ઘટના તરીકે કેમ રજૂ કરવામાં આવ્યો? તેમજ ઓફિસમાં દારૂની બોટલો કયા સંજોગોમાં પહોંચી અને વીડિયો કોણે બનાવ્યો તે અંગે પણ તપાસ જરૂરી બની છે.
સમગ્ર મામલે વીડિયોનો મૂળ સમય, સ્થળ, તેમાં દેખાતા વ્યક્તિઓની ઓળખ તેમજ દારૂની બોટલો અંગે હકીકત સામે આવે તે જરૂરી છે. આ અંગે નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તો વાયરલ વીડિયો પાછળની વાસ્તવિકતા અને તેને સોશિયલ મીડિયા પર ફેલાવનારાઓ અંગે વધુ સ્પષ્ટતા થઈ શકે છે.
હાલ વાયરલ વીડિયોને લઈને વિવિધ દાવાઓ સામે આવી રહ્યા છે, પરંતુ સત્તાવાર તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની સાચી હકીકત સ્પષ્ટ થશે.









