તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજય (વિજય થલપતિ)એ ચેન્નાઈની પુજ્હલ સેન્ટ્રલ જેલની અચાનક મુલાકાત લઈને કેદીઓની સ્થિતિ અને જેલમાં મળતી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કેદીઓ સાથે સીધો સંવાદ કરી તેમની સમસ્યાઓ અંગે માહિતી મેળવી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અનેક કેદીઓ સંજોગોને કારણે જેલમાં પહોંચતા હોય છે. અજાણતાં થયેલી ભૂલ અને જાણીજોઈને કરાયેલા ગુનામાં તફાવત સમજાવતા તેમણે કેદીઓને સુધરવાની તક આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
કેદીઓને રુચિ મુજબ શિક્ષણ-વ્યવસાયિક તાલીમ અપાશે
વિજય થલપતિએ અધિકારીઓને કેદીઓની રુચિ અને ક્ષમતા મુજબ શિક્ષણ તથા વ્યવસાયિક તાલીમ ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપ્યા હતા. કેદીઓ સજા પૂર્ણ કરીને જેલની બહાર આવ્યા બાદ સન્માનપૂર્વક જીવન જીવી શકે અને રોજગાર મેળવી શકે તે માટે કૌશલ્ય વિકાસ પર ભાર મૂકવામાં આવશે.
કેદીઓમાં વાંચનની ટેવ વિકસે તે માટે જેલોમાં પૂરતાં પુસ્તકો ઉપલબ્ધ કરાવવાની પણ સૂચના આપવામાં આવી હતી. મુખ્યમંત્રીએ જેલના રસોડા, તબીબી વિભાગ અને કપડાંના સ્ટોરની મુલાકાત લઈ વ્યવસ્થાઓની ચકાસણી કરી હતી.
125 જેલમાં 23,608 કેદીઓ
સરકારી આંકડા મુજબ તમિલનાડુની 125 જેલોમાં કુલ 23,608 કેદીઓ બંધ છે. તેમાં 2,076 કેદીઓ નિરક્ષર છે, જ્યારે 1,317 કેદીઓ સ્નાતક અને 323 કેદીઓ અનુસ્નાતક છે.
વિધાનસભામાં જેલ વિભાગની ગ્રાન્ટ માંગણીઓ અંગે ચર્ચા બાદ મુખ્યમંત્રી દ્વારા જેલ સુધારણા અને કેદીઓના પુનર્વસન તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જેલ સ્ટાફ માટે વધારાના બોડી કેમેરા તથા અન્ય સુવિધાઓને પણ મંજૂરી આપવામાં આવી હોવાનું જણાવાયું છે.
આ સમગ્ર પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય કેદીઓને સુધારણા, શિક્ષણ અને કૌશલ્ય તાલીમની તક આપી જેલમાંથી બહાર આવ્યા બાદ સમાજમાં સન્માનપૂર્વક પુનઃસ્થાપિત કરવાનો છે.









