બ્યુટી પાર્લર સંચાલિકાનું મંગળસૂત્ર અને પર્સ ચોરી ફરાર થઈ હતી; ક્રાઈમ બ્રાન્ચે ₹83 હજારનું મંગળસૂત્ર કબજે કર્યું
વડોદરા: ધાર્મિક વિધી અને અંધશ્રદ્ધાનો બહાનો બનાવી મહિલાઓને નિશાન બનાવતી બે શાતિર મહિલા ઠગોને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. આરોપી મહિલાઓએ બ્યુટી પાર્લર સંચાલિકાને વિધીના બહાને વિશ્વાસમાં લઈ તેનું મંગળસૂત્ર અને પર્સ લઈને ફરાર થઈ જવાની ઘટના અંજામ આપી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ક્રાઈમ બ્રાન્ચે ટેક્નિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાના આધારે બંને મહિલાઓની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી અંદાજે ₹83 હજાર કિંમતનું મંગળસૂત્ર કબજે કર્યું છે અને અન્ય મુદ્દામાલ અંગે પણ તપાસ શરૂ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપી મહિલાઓ વ્યાવસાયિક રીતે આવી ઠગાઈઓને અંજામ આપતી હતી. તેમની સામે દહેગામ, આદિપુર, વારાહી સહિત રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં કુલ 11 ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.
પોલીસ હાલમાં આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આ જ મોડસ ઓપરેન્ડીથી થયેલા ગુનાઓ સાથે તેમની સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે. સાથે જ નાગરિકોને અજાણ્યા લોકો દ્વારા ધાર્મિક વિધી કે ઉપાયના બહાને વિશ્વાસમાં લેવાના પ્રયાસોથી સાવચેત રહેવાની અપીલ પણ કરવામાં આવી છે.









