મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત: ટ્રકમાં કાર ઘૂસી જતાં પાંચ યુવકોના મોત, એકની હાલત ગંભીર

જન્મદિવસની ઉજવણી બાદ પરત ફરી રહેલા મિત્રોને અકસ્માત નડ્યો; પૂર્વ ધારાસભ્યોના પરિવારના સભ્યોના મોતથી વિસ્તારમાં શોક

મૈહર (મધ્યપ્રદેશ): મધ્યપ્રદેશના મૈહર જિલ્લામાં નેશનલ હાઈવે-30 પર મોડી રાત્રે સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ યુવકોના કરુણ મોત થયા છે, જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. રીગરા ગામ નજીક પૂરપાટ ઝડપે દોડી રહેલી એસયુવી કાર આગળ જઈ રહેલા ટ્રકની પાછળ ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો. ટક્કરના કારણે કારમાં સવાર પાંચ યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા એક યુવકને પ્રાથમિક સારવાર બાદ જબલપુરની હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તમામ મિત્રો અમરપાટન જનપદ ઉપાધ્યક્ષ મનોજ પટેલના જન્મદિવસની ઉજવણીમાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ કારમાં ફસાયેલા યુવકોને બહાર કાઢ્યા હતા.

મૃતકોમાં પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ પટેલ અને દિવંગત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મથુરા પટેલના પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે. અકસ્માતમાં બે સગા ભાઈઓના પણ મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

ઘાયલ ઓમ પટેલની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ટ્રક ચાલકના પ્રાથમિક નિવેદન મુજબ કારની ઝડપ ખૂબ જ વધુ હોવાથી ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રકની પાછળ જઈ અથડાઈ હતી.

પોલીસે અકસ્માતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે ટેક્નિકલ તપાસ અને અન્ય પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

Leave a Comment

Traffic Tail