દિવાળી પહેલાં ટ્રમ્પનો ‘ટેરિફ બોમ્બ’! રશિયન ક્રૂડ ખરીદતા દેશો પર 100% સુધીની ડ્યૂટીનો રસ્તો ખુલ્યો

વોશિંગ્ટનઃ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા દેશો પર 100 ટકા સુધીનો ટેરિફ લાદવાની જોગવાઈ ધરાવતા ખરડાને અમેરિકી સંસદની મંજૂરી બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સહી કરી છે. આ સાથે કાયદો બની ગયો છે અને હવે સંબંધિત દેશો પર ટેરિફ નક્કી કરવાની સત્તા અમેરિકી રાષ્ટ્રપતિને મળી છે.

કાયદાની કલમ 113 હેઠળ ટ્રમ્પને મહત્તમ 100 ટકા સુધીનો ટેરિફ નક્કી કરવાની સત્તા આપવામાં આવી છે. હવે ટ્રમ્પ કયા દેશ પર કેટલો ટેરિફ લાદે છે અને તેનો અમલ ક્યારેથી થાય છે તે મહત્વનું રહેશે. નિયમ મુજબ 30 દિવસની અંદર ટેરિફની ટકાવારી નક્કી કરવાની પ્રક્રિયા થવાની છે.

આ કાયદાની અસર ભારત અને ચીન સહિત રશિયન ક્રૂડ ખરીદનારા દેશો પર થઈ શકે છે. ઓક્ટોબરના મધ્ય સુધીમાં ટેરિફના અમલની શક્યતા અંગે ચર્ચા છે, એટલે ભારતમાં દિવાળી સહિતના તહેવારો પહેલાં જ અમેરિકી નિર્ણયની અસર જોવા મળી શકે છે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની આ મહિને અમેરિકાની સંભવિત મુલાકાત વચ્ચે ટ્રમ્પ આ કાયદાનો કેવી રીતે ઉપયોગ કરે છે તેના પર પણ નજર રહેશે. ખાસ કરીને ચીન પર કેટલો ટેરિફ લાદવામાં આવે છે તે બંને દેશોના સંબંધો માટે મહત્વનું બની શકે છે.

ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા મોટા દેશોમાં સામેલ છે. ભારત અગાઉ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે તેની ક્રૂડ ખરીદી અંગેનો નિર્ણય કોઈ દબાણ કે ટેરિફની ધમકીના આધારે લેવામાં આવશે નહીં. હવે ટ્રમ્પ વાસ્તવમાં કેટલો ટેરિફ લાદે છે અને કઈ શરતો લાગુ કરે છે તેના પર ભારતની આગામી વ્યૂહરચના નિર્ભર રહેશે.

Leave a Comment

Traffic Tail