મુંબઈઃ BCCIની 95મી વાર્ષિક સામાન્ય સભા (AGM)માં ભારતીય ક્રિકેટના વહીવટ અને ઘરેલુ ક્રિકેટને લગતા અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. IPLના અધ્યક્ષ અરુણ સિંહ ધૂમલ અને ભારતીય ક્રિકેટર્સ એસોસિએશનના પ્રતિનિધિ એમ. ખૈરૂલ જમાલ મજુમદારની IPL ગવર્નિંગ કાઉન્સિલમાં બિનહરીફ પુનઃનિયુક્તિ કરવામાં આવી છે.
ઘરેલુ ક્રિકેટના અમ્પાયરો અને મેચ રેફરીના મહેનતાણામાં પણ નોંધપાત્ર વધારો મંજૂર કરવામાં આવ્યો છે. નવી વ્યવસ્થા હેઠળ અમ્પાયરોને ચાર ગ્રેડમાં વહેંચવામાં આવ્યા છે. ગ્રેડ Aના અમ્પાયરને રૂ. 60 હજાર, ગ્રેડ Bને રૂ. 50 હજાર, ગ્રેડ Cને રૂ. 40 હજાર અને ગ્રેડ Dને રૂ. 35 હજાર પ્રતિ દિવસ મહેનતાણું મળશે.
અમ્પાયરોના પ્રદર્શનના આધારે મેરિટ આધારિત પ્રમોશન અને ડિમોશનની વ્યવસ્થા પણ લાગુ કરવામાં આવશે. દરેક સિઝનના અંતે કામગીરીનું મૂલ્યાંકન કરીને ગ્રેડમાં ફેરફાર કરવામાં આવશે. મેચ રેફરીના મહેનતાણામાં પણ વધારો કરવાનો નિર્ણય લેવાયો છે.
AGMમાં 2027માં IPLની 20મી સિઝનની ભવ્ય ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. IPLના બે દાયકાના સફરને યાદગાર બનાવવા માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સાથે જ 2028માં BCCIના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે શતાબ્દી ઉજવણીની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે.
બેઠકમાં 2025-26ના ઓડિટેડ હિસાબો અને 2026-27નું વાર્ષિક બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. નવા ઓડિટરની નિમણૂક, યૌન ઉત્પીડન વિરોધી નીતિ હેઠળ નવી આંતરિક સમિતિ, વય ચકાસણી નીતિમાં સુધારા તેમજ દિવ્યાંગ ક્રિકેટરો માટે સુવિધાઓ વધારવા અંગે પણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.









